– ચકલાસી તાબેના રામપુરા સીમ વિસ્તારમાં
– જંગલી પ્રાણી કરડતા પાંચ પશુના મોત બાદ વન વિભાગ પણ પકડવામાં નિષ્ફળ રહ્યો હતો : પશુપાલકોને હાંશકારો
નડિયાદ : નડિયાદના ચકલાસી ગામની સીમમાં જંગલી પ્રાણી દ્વારા બાંધેલા દૂધાળા પશુઓને કરડતા પાંચ પશુઓના મોત થયા હતા. જંગલી પ્રાણીને ઝડપી પાડવામાં વન વિભાગ પણ નિષ્ફળ રહ્યો હતો.
ત્યારે વિસ્તારના શ્વાનના ટોળાએ વણિયાર પ્રાણીને બચકાં ભરીને મોતને ઘાટ ઉતારતા પશુપાલકોએ રાહત અનુભવી છે.
નડિયાદ તાલુકાના ચકલાસી ગામના રામપુરા પરા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી વણિયાર જેવા પશુ રાત્રી સમયે બાંધેલા પાલતુ પશુઓને કરડી ખાવાના બનાવો વધતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો.
આ વણિયાર જેવા જંગલી પ્રાણીએ ત્રણ પાડી અને બે ભેંસોને શરીર ઉપર પૂંછડા પર બટકા ભરી કરડી ખાતા પાંચ પશુ મોતને ભેટયા હતા. જેથી પશુપાલકો પોતાના પશુઓને બચાવવા રાત્રે ઉજાગરા કરવા મજબૂર બન્યા હતા. આ બાબતે વન વિભાગ નડિયાદને પશુઓ પર થતા હુમલાના બનાવો રોકવા જંગલી પ્રાણીને પાંજરે પુરવા લોકોએ રજૂઆત કરી હતી.
પરંતુ વન વિભાગ જંગલી પ્રાણીને પકડવામાં નિષ્ફળ રહ્યો હતો. ત્યારે ગઈકાલે રાત્રે નીકળેલા વણિયાર પ્રાણીને રખડતા શ્વાનોએ હુમલો કરી ખેંચા ખેંચ કરી મોતને ઘાટ ઉતાર્યો હતો. ત્યારે હાલ રામપુરા વિસ્તારના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.