વડોદરા,જૂનીગઢી વિસ્તારમાં થયેલા તોફાનમાં સંડોવાયેલા ચાર આરોપીઓના પોલીસે રિમાન્ડ લીધા છે. રિમાન્ડ દરમિયાન અન્ય આરોપીઓના નામ મેળવવા પોલીસ પ્રયાસ કરી રહી છે.
ધાર્મિક લાગણી દુભાવતી પોસ્ટના પગલે ટોળાએ નારાબાજી કરી સિટિ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. ટોળાને પોલીસ સમાજના અગ્રણીઓ મારફતે સમજાવવાની કોશિશ કરતી હતી. ત્યારે જ કેટલાક તત્વોએ ટોળાની ઉશ્કેરણી કરતા ટોળું જૂનગઢી તરફ ધસી ગયું હતું. મધરાતે ટોળાએ જૂનીગઢીમાં પથ્થરમારો અને વાહનોની તોડફોડ કરી હતી. ટોળાના પથ્થરમારામાં નવરાત્રિના પંડાલને પણ નુકસાન થયું હતું. આ ગુનામાં પોલીસે અત્યારસુધી કુલ ૬૨ તોફાનીઓને ઝડપી પાડયા હતા. હાલમાં ચાર આરોપીઓ રિમાન્ડ પર છે. આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓની પોલીસ શોધખોળ કરી રહી છે. પરંતુ, ધરપકડના ડરથી કેટલાક લોકો ઘર છોડીને જતા રહ્યા છે.