Jamnagar : જામનગર જિલ્લાના કાલાવડ ટાઉનમાં બે રાજકીય અગ્રણી અને ખેડૂત યુવાન વચ્ચે સોશિયલ મીડિયામાં ઓનલાઈન થઈ અપશબ્દોનો પ્રયોગ કરવા બાબતે તકરાર થયા બાદ સામસામે ધમકીની પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.
કાલાવડ તાલુકાના હરીપર ગામમાં રહેતા અને ખેતી કામ કરતા રાજકીય આગેવાન કાંતિલાલ લખમણભાઇ ગઢીયા નામના ખેડૂતે પોતાને જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે કાલાવડમાં રહેતા જીતુભાઈ ડાંગરિયા અને તેના ભાઈ સંજયભાઈ ડાંગરિયા સામે ધમકીની ફરિયાદ નોંધાવી છે.
આરોપી જીતુભાઈ ડાંગરિયા પોતાના ફેસબુક આઇડી મારફતે ઓનલાઈન થઈને ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો આપતો હોવાથી આ બાબતે જીતુભાઈ ડાંગરિયાના ભાઈ સંજય ડાંગરિયાને બનાવની વાત કરતાં બંને આરોપીઓએ ઉસ્કેરાઈ જઇ તારું રાજકારણ પૂરું કરી દેશું તેમ કહી ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.
જ્યારે સામા પક્ષે કાલાવડ ટાઉનમાં રહેતા અને ખેતી કામ કરતા સંજય વશરામભાઈ ડાંગરિયાએ પોતાને સોશિયલ મીડિયામાં અપશબ્દો કહી પોતાનું રાજકારણ પૂરું કરી દેવા બાબતેની ધમકી આપી ખોટા કેસમાં સંડોવીને બદનામ કરવા માટે ધમકી આપનાર કાંતિભાઈ પટેલ સામે વળતી ફરિયાદ નોંધાવી છે. જે મામલે કાલાવડ ટાઉન પોલીસ વધુ તપાસ ચલાવે છે.