સુરતમાં છેલ્લા કેટલાક વખતથી ભપકાદાર નવરાત્રી સ્ટેટસ સિમ્બોલ બની રહ્યા છે. તેમ છતાં પણ શહેરના કોટ વિસ્તાર અને જુના સુરતી વિસ્તારમાં હજી પણ શેરી- સોસાયટી ગરબાનું કલ્ચર અકબંધ જોવા મળી રહ્યું છે. જેના કારણે અનેક સોસાયટી ના લોકો પોતાના ઘર આંગણે એક બીજા સાથે મળી ગરબે ઘૂમી રહ્યા છે. લોકોનું માનવું છે કે, સોસાયટી- શેરી માં ગરબા ના કારણે મહિલાઓ વધુ સલામત છે અને સોસાયટીમાં એકતાનો માહોલ વધે છે અને લોકોના પૈસાની પણ બચત થાય છે.
સુરતમાં વરસાદી માહોલ વચ્ચે એસી ડોમ સહિત અનેક જગ્યાએ મોટી નવરાત્રીનું આયોજન થાય છે આવા મોટા ભપકાદાર આયોજન છતાં પણ સુરતના જુના વિસ્તાર, આસપાસ ના ગામડા અને કોટ વિસ્તારમાં હજી પણ શેરી ગરબા અને સોસાયટી ગરબાનું કલ્ચર અડીખમ જોવા મળી રહ્યું છે. તેના અનેક કારણો છે અને સૌથી મોટું કારણ મહિલાઓની સલામતીનું લોકો માની રહ્યા છે. કતારગામ અંબિકા સોસાયટી ના વડીલો કહે છે, આ વિસ્તારમાં અનેક લોકો સૌરાષ્ટ્રથી આવીને વસેલા છે અને તેઓ પરંપરાગત ગરબા રમી રહ્યાં છે. આ ઉપરાંત મહિલાઓ બહાર ગરબા રમવા જાય તો અકસ્માત થી માંડીને તેમની સલામતી માટેના મોટા પ્રશ્નો ઉભા થાય છે પરંતુ અમે સોસાયટીઓમાં જ ગરબા રમતા હોય આ પ્રશ્નનો હલ આવી જાય છે.
કતારગામની જ લક્ષ્મીકાંત સોસાયટી ના સભ્યો કહે છે, આ મૂળ સુરતીઓની સોસાયટી છે અને વર્ષોથી અહી માતાજીના આરાધના થાય તેવા ગરબા જ રમવામા આવે છે. આમ તો સભ્યો પોતાની ધંધાકીય અને નોકરીની પ્રવૃત્તિમાં વ્યસ્ત હોય છે પરંતુ આ દિવસ એવા છે કે જ્યાં સભ્યો માતાજીની આરાધના કરવા સાથે એક બીજાને મળે છે અને સોસાયટીઓમાં એકતા પણ વધે છે તેથી અમારા વિસ્તારમાં આજે પણ શેરી ગરબા યથાવત જોવા મળે છે.
પોલનપોરની એક સોસાયટીના રહીશ કહે છે, સોસાયટીની મહિલાઓ સોસાયટી અને શેરીઓમાં જ ગરબા રમે છે તેથી તેઓ સૌથી સલામત છે. નવરાત્રીનો તહેવાર સોસાયટીના લોકોને એક બીજા સાથે જોડવાનો તહેવાર છે તેથી અનેક સોસાયટી આ તહેવારની ઉજવણી ભવ્ય રીતે કરે છે. તેથી આવા તહેવારની ઉજવણી વધુને વધુ થાય તે માટે આયોજન કરવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે.