વડોદરા, તા.28 માર્ગ અને મકાન વિભાગમાં ફરજ બજાવતા રાજ્યભરના ૨૧ કાર્યપાલક ઇજનેરોની સામૂહિક બદલી તેમજ ૫૧ નાયબ કાર્યપાલક ઇજનેરોને પ્રમોશન આપવામાં આવ્યા છે.
રાજ્ય સરકાર દ્વારા દિવાળી પૂર્વે જ અનેક સ્થળોએ ફરજ બજાવતા કાર્યપાલક ઇજનેરોની બદલીના હુકમો કરાતા ચર્ચાનો વિષય બન્યો છે. વડોદરા શહેર માર્ગ અને મકાન વિભાગમાં કાર્યપાલક ઇજનેરની જગ્યા છેલ્લા ઘણા મહિનાઓથી ઇન્ચાર્જ પર ચાલતી હતી પરંતુ આ બદલીઓમાં આ જગ્યા ભરવામાં આવી છે. ભરૃચ પંચાયતના માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર ડી.કે. ચૌધરીની બદલી શહેર માર્ગ અને મકાન વિભાગમાં કરાઇ છે. આ ઉપરાંત વુડામાં ઘણા સમયથી કાર્યપાલક ઇજનેર તરીકે કાર્યરત કે.એન. પટેલની પણ બદલી કરીને દેવભૂમિ દ્વારકા મૂકવામાં આવ્યા છે. પ્રાદેશિક કમિશનર, નગરપાલિકાઓની કચેરી, વડોદરા ઝોનના કાર્યપાલક ઇજનેર અમિત આર. પટેલની લુણાવાડા માર્ગ અને મકાન વિભાગમાં કરાઇ છે.
સરકારે ૫૧ નાયબ કાર્યપાલક ઇજનેરોની બઢતીના હુકમો પણ કર્યા છે જેમાં વડોદરામાં માર્ગ યોજના વિભાગના સમીર એફ. શેખને પ્રમોશન આપીને રાજ્ય માર્ગ યોજના વિભાગ, રાજકોટ ખાતે મૂકાયા છે. આ ઉપરાંત ગુણવત્તા નિયમનના દર્શન જોશીને કાર્યપાલક ઇજનેરનું પ્રમોશન આપીને તે જ કચેરીમાં રાખવામાં આવ્યા છે. જ્યારે રાષ્ટ્રિય ઘોરીમાર્ગ વર્તુળ, વડોદરામાં નેહલ બી. નાયકને પ્રમોશન આપીને માર્ગ અને મકાન વિભાગ છોટાઉદેપુર ખાતે પોસ્ટિંગ અપાયું છે.
અધિક્ષક ઇજનેર સુરત વર્તુળના ના.કા.ઇ. આનંદ એન. ખેરડીયાને પ્રમોશન આપીને ગેરી રોડ રિસર્ચ, ભરૃચ ગેરીમાં ફરજ બજાવતા બિંદીયા કે. મેહવાલને વડોદરા ગેરી, રોડ રિસર્ચમાં પ્રમોશન અપાયું છે. આ ઉપરાંત સુરત પીએસયુ હેલ્થના ધુ્રતિ પી. ચૌધરીને પ્રમોશન આપી પીઆઇયુ હેલ્થ, વડોદરા અને અમદાવાદ ઔડામાંથી અમિત કે. સોલંકીને વડોદરા રાષ્ટ્રિય ઘોરીમાર્ગ વિભાગમાં પ્રમોશન આપીને પોસ્ટિંગ અપાયું છે.