Navratri 2025, Baroda : ગઈકાલે વડોદરામાં વરસેલા ભારે વરસાદને કારણે મોટા ભાગના ગરબા આયોજકોને પોતાની ઇવેન્ટ મોકૂફ રાખવાની ફરજ પડી હતી. જોકે, ખેલૈયાઓની નિરાશા દૂર કરવા અને આસ્થાના પર્વને ચાલુ રાખવા માટે આયોજકોએ આજે મેદાન તૈયાર કરવાની સઘન કવાયત હાથ ધરી છે.
મુખ્યત્ત્વે નવલખી ગ્રાઉન્ડમાં યોજાતા ‘વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલ’ (VNF)ના આયોજકોએ આજે(29 સપ્ટેમ્બર) સવારથી જ ગ્રાઉન્ડને ગરબા માટે તૈયાર કરવાનું કામ શરૂ કરી દીધું છે.
250થી વધુ મજૂરો કામે લાગ્યા
હાલમાં ગ્રાઉન્ડ પરથી તાડપત્રી હટાવી દેવામાં આવી છે અને યુદ્ધના ધોરણે સમારકામ ચાલી રહ્યું છે. જમીન પરના કાદવ-કિચડને કોરો કરવા માટે ટ્રેક્ટરો ભરીને માટી નાખવામાં આવી રહી છે. આ સાથે ગ્રાઉન્ડનું લેવલિંગ (સમતલ) પણ કરવામાં આવી રહ્યું છે, જેથી ખેલૈયાઓ સુરક્ષિત રીતે ગરબા રમી શકે. જમીન ચીકણી થવાથી કોઈને ઈજા ન થાય તે માટે ખેલૈયાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ કામ તાત્કાલિક હાથ ધરાયું છે. આયોજકોએ મેદાનને યોગ્ય બનાવવા માટે 250થી વધુ મજૂરોને સતત કામે લગાડ્યા છે અને આયોજકો પોતે પણ કામગીરીમાં જોડાયા છે.
કુદરત પર આધાર
વડોદરાના યુનાઈટેડ વે સહિતના તમામ મોટા ગરબા ગ્રાઉન્ડની સ્થિતિ આ જ પ્રકારની જોવા મળી રહી છે, પરંતુ તમામ આયોજકો આજે ગરબા યોજાય તેવા પ્રયાસોમાં લાગેલા છે, જેથી ખેલૈયાઓ નિરાશ ન થાય.
આ પણ વાંચો: જામનગરમાં વિજયા દશમીએ સિંધી સમાજ દ્વારા આયોજિત રાવણ દહનના પૂતળાને આખીર ઓપ આપવા તડામાર તૈયારી
આયોજકોએ આશા વ્યક્ત કરી છે કે જો આજે વરસાદ નહીં પડે તો ગરબા રમાડવામાં આવશે. જોકે, ગઈકાલ રવિવારની જેમ આજે પણ વરસાદ પડ્યો તો પછી ગરબા રમાડવાની શક્યતા ઘણી ઓછી થઈ શકે છે. અંતે, ખેલૈયાઓની નવરાત્રીનો નિર્ણય કુદરત પર આધારિત છે.