Vadodara : વડોદરા શહેરના અટલાદરા, ભીમ તળાવ ખાતે આવેલા અને ખિસકોલી સર્કલ પાસેના ચામુંડા નગરના ગેરકાયદેસર ઢોરવાડા તોડવા અને ઢોરવાડા ખાતે ખદબદતી ગંદકી અંગે દંડ વસૂલવાની કાર્યવાહી પાલિકાએ હાથ ધરી હતી.
શહેરીજનોના હિતને ધ્યાનમાં રાખીને પાલિકા તંત્રએ ગેરકાયદે ઢોરવાડા તોડવા અને ઢોરવાડા ખાતે થતી ગંદકી સામે લાલ આંખ કરી છે. જે અંતર્ગત આજે અટલાદરા, ભીમ તળાવ ખાતે અને ખિસકોલી સર્કલ પાસેના ચામુંડા નગરના ગેરકાયદેસર આવેલા ઢોરવાડાને તોડી પાડવાની કામગીરી હાથ ધરાઈ હતી. અહીંના કેટલાક ઢોરવાડા ખાતે બાંધેલા પશુઓ પાસે ખૂબ ગંદકી જોવા મળતા દરેક ઢોરવાડાના માલિક પાસેથી દંડની વસુલાતની કાર્યવાહી કરવામાં આવી હતી. અટલાદરા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં વોર્ડ નંબર11 તથા 12માં આવેલા ચામુંડા નગર ખિસકોલી સર્કલ પાસે એક વાડો જ્યારે ભીમ તળાવ વિસ્તારમાં સાત વાડા તોડી 7000 રૂપિયા દંડ વસૂલાત કરવામાં આવ્યો છે. દંડ કરાયેલાઓમાં પ્રદીપ ગભુલાલ માચી (ચામુંડા નગર, ભીમ તળાવ, અટલાદરા), ગેલા દેહુર ભરવાડ, પ્રવીણ સોરઠીયા, અનુપ ગભરા ભરવાડ, ધુડા દેહુર ભરવાડ, વિજય ભોપા ભરવાડ, પેથુ જેકસન ભરવાડ, લાલા ભોજા ભરવાડ જેમાં ચામુંડા નગરમાં 2000 તથા ભીમ તળાવમાં 7000 મળી કુલ રૂપિયા 9000ના દંડ વસૂલ કરી અને આઠ ઢોરવાડા તોડી પાડ્યા છે.