– ભારે વરસાદના પગલે નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો
– રાણીગામના લોકોએ મોટરકારમાં સવાર મહંત સહિત 3 વ્યક્તિના જીવ બચાવ્યા
ગારિયાધાર : જેસર તાલુકાના રાણીગામ પાસે શેત્રુંજી નદીના વ્હેણમાં ગત મોડી રાત્રે એક કાર તણાઈ હતી. જે કારમાં સવાર ત્રણ લોકોને રાણીગામના ગ્રામજનો દ્વારા બચાવી લેવાયા હતા.
જેસર તાલુકાના રાણીગામ પાસે ગત રાત્રિના શેત્રુજી નદીમાં પાણીની આવક થતા નદીનું જળસ્તર વધ્યું હતું. ગત રાત્રિના ૧૧ કલાકના સમયગાળામાં મહુવાથી રૂપાવટી આશ્રમ પરત આવતા રૂપાવટી શામળા બાપા આશ્રમના મહંત મોહન બાપાની ઈનોવા કાર રાણીગામ ચોકડી પાસે પહોંચી હતી જ્યાં આગળ શેત્રુંજી નદીના પટમાં ભારે વરસાદના પગલે પાણીની આવક શરૂ થઈ જવા પામી હતી. જે ધસમસતા પાણીમાં કાર પસાર કરતા કાર પાણીના પ્રવાહમાં તણાઈ હતી. જોકે સદ્નસીબે કાર નજીકના બાવળ પાસે અટકી જતા ચોકડીએ ઉભેલા રાણીગામના ગ્રામજનો દ્વારા દોરડાઓ વડે રૂપાવટી આશ્રમના મહંત મોહનબાપા સહિત ત્રણ લોકોને બચાવી લેવાયા હતા. જ્યારે કાર પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ હતી. જેને આજે સવારે ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવી હતી. સ્થાનિક ગ્રામજનોની સતર્કતાને લીધે મોટી દુર્ઘટના થતા અટકી હતી.