– કપડવંજ- કઠલાલ તાલુકાની આસપાસની
– સરપંચો, મંડળીઓ, આગેવાનોની તંત્રને રજૂઆત, આઝાદી પહેલા આતરસુંબા ગાયકવાડ સરકારનું વડુ મથક ગણાતું હતું
કપડવંજ : રાજય સરકારે તાજેતરમાં ૧૭ તાલુકાની જાહેરાત કરી છે. ત્યારે કપડવંજ અને કઠલાલ તાલુકાની આસપાસની ૩૦ ગ્રામ પંચાયયોને વાત્રક કાંઠાના મુખ્યમથક આતરસુંબા ગામને તાલુકા બનાવવાની માગણી સાથે કપડવંજના નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. આ મામલે અગાઉ પણ રજૂઆતો કરાઇ હતી.
આતરસુંબા ગામ આઝાદી પહેલા ગાયકવાડ સરકારનું વડું મથક ગણતું હતું. આઝાદી પછી આતરસુંબા મહેસાણા જિલ્લાનો તાલુકો હતો. વાત્રક કાંઠાના ૪૦ ગામો કપડવંજ તાલુકામાં આવેલા છે. જેનું મુખ્ય મથક આતરસુંબા છે. વાત્રક કાંઠાના ગામો ભોગોલિક, સામાજિક, આર્થિક, રાજકીય સહિત તમામ રીતે આતરસુંબા સાથે સીધો સંબંધ છે. વાત્રક કાંઠાના કપડવંજ અને કઠલાલ તાલુકાના ગામોને તાલુકા મથકે જવા લાબું અંતર છે. આતરસુંબાની આસપાસ એકથી સાત કિલોમીટરના અંતરે ગામો આવેલા છે. આતરસુબા તાલુકો બને તો વાત્રક કાંઠાના ગામોને સમય અને નાણાનો બચાવ થશે.વાત્રક કાંઠાના તમામ ગામો માટે આંતરસુંબા પોલીસ સ્ટેશન પણ છે. જેમાં આસપાસના ૬૦ ગામોનો સમાવેશ થયો છે. તેમજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર આતરસુંબા ખાતે આવેલુ છે. મોટાભાગની શૈક્ષણિક સંસ્થાઓ પણ આવેલી છે. આ મામલે ૨૦૧૨માં સરકારને રજૂઆતો કરવામાં આવી હતી. વાત્રક કાંઠાના ૩૦ ગામોના સરપંચો, દૂધ મંડળીઓ, સંસ્થાના આગેવાનો દ્વારા નાયબ કલેકટરને આજે રજૂઆત કરી છે.