Navratri 2025: સુરતમાં આ વખતે નવરાત્રિના સાતમના દિવસે આગાહી મુજબ વરસાદ તૂટી પડ્યો હતો. પરંતુ સુરતીઓએ સાબિત કરી દીધું છે કે, વરસાદ પર ગરબાનો જ જાદૂ ભારી પડી જાય છે. સુરતીઓના ગરબા પ્રત્યેના ઝનૂનના કારણે વરસતા વરસાદમાં પણ મોડી રાત્રી સુધી સોસાયટીઓ અને શેરીઓમાં લોકો ગરબે ઘુમતા જોવા મળ્યા હતાં.
નવરાત્રિની શરૂઆત સાથે જ બંગાળની ખાડીમાં ઊભા થયેલા પ્રેશરના કારણે વરસાદ પડશે તેવી આગાહી હતી. હવામાન વિભાગ આગાહી સાતમના દિવસે બરાબર સાચી સાબિત થઈ ગઈ છે. સાતમાં નોરતે માતાજીની આરતી બાદ થોડા ગરબા શરૂ થયા હતા અને વરસાદની એન્ટ્રી થઈ હતી, જેના કારણે ગરબા અને વરસાદનો અનોખો સંગમ સુરતમાં જોવા મળ્યો હતો.
સુરત સહિત સમગ્ર ગુજરાતમાં મા શક્તિની આરાધાનોનો પર્વ નવરાત્રિ આખરી મુકામ પર આવી ગયો છે, પરંતુ છેલ્લા બે દિવસથી સુરતમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે અને અચાનક ગરબા શરૂ થવાના થોડા સમય પહેલાં જ વરસાદ શરુ થઈ રહ્યો છે. મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. જો કે, ખેલૈયાઓ વરસતા વરસાદ વચ્ચે પણ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા આ વરસાદમાં ખેલૈયાઓમાં ભારે જોશ જોવા મળ્યો હતો.
નવરાત્રિના સાતમના દિવસે સવારથી જ વરસાદનો રંગ જોવા મળ્યો હતો, પરંતુ આ વરસાદ સામે પણ સુરતી ખેલૈયાઓનો ઉત્સાહ અડગ દેખાયો હતો. સોસાયટીના સીસી રોડ અને પેવર બ્લોક વાળા રોડ પર વરસાદી પાણી હોવા છતાં ખેલૈયાઓ મન મૂકીને ઝુમ્યા હતા. માત્ર યંગસ્ટર્સ જ નહીં પરંતુ બાળકો અને વડીલો પણ ભીંજાતા ભીંજાતા ગરબે ઘૂમ્યા હતા. સાતમના દિવસે વરસાદની ભીની ઠંડક છતાં ગરબાના મેદાનોમાં ખેલૈયાઓ મન મૂકીને રમી માતાજીની આરાધના કરી હતી.
સાતમાં નોરતે વરસાદે ખેલૈયાઓના ઉત્સાહ પર પાણી ફેરવી શક્યું નથી. વરસાદની ઝરમર વચ્ચે સુરતના ગરબા મેદાનોમાં માતાજીના ગરબે ખેલૈયાઓ મન મુકીને ઘુમ્યા હતા. ગરબા, દોઢીયા, ડાકલા અને સનેડાના તાલે ખેલૈયાઓની ટોળકી ઝૂમી ઊઠી. મોડી રાત્રી સુધી રહેણાંક સોસાયટી તેમજ શેરીઓમાં અબાલ વૃદ્ધ વરસાદમાં ભીંજાતા ભીંજાતા માતાજીના આરાધનામાં ગરબે ઘૂમ્યા. વરસાદ વચ્ચેની આ અનોખી ઉજવણી સુરતની નવરાત્રિને વધુ યાદગાર બનાવી ગઈ. સુરતીઓએ બતાવી દીધું કે માતાજીની આરાધનામાં વરસાદ ભલે અવરોધ આવે, પરંતુ ખેલૈયાઓનો ઉમંગ અને ભક્તિ કદી ઠંડા પડતા નથી.