Jamnagar Demolition : જામનગરના જિલ્લા કલેકટર કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં અનધિકૃત ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી સતત ચાલી રહી છે. જેના ઉપક્રમે જામનગર મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં આવેલ બેડી ખાતે અસામાજિક તત્વો દ્વારા સરકારી જમીન પર ઉભા કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણો દૂર કરી અંદાજિત 5,000 ચો.મી. જમીન ખુલ્લી કરવામાં આવી છે.
બેડી ખાતે અસામાજિક તત્વો દ્વારા જાહેર જગ્યા પર ગેરકાયદેસર મકાનો તથા અન્ય બાંધકામો કરી સરકારી જગ્યામાં દબાણ કરવામાં આવેલ હતું. જે જમીનની અંદાજીત બજાર કિંમત રૂ.10 કરોડ જેટલી થાય છે. જે તમામ જમીન પરના ગેરકાયદેસર દબાણો તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા છે.
આ અંગે જિલ્લા કલેકટર કેતન ઠક્કરે જણાવ્યું કે જામનગર મહાનગરપાલિકાના બેડી વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા જે ગેરકાયદેસર બાંધકામો તથા સરકારી જમીન પર અનઅધિકૃત દબાણો કરાયા હતા તે જિલ્લા વહીવટી તંત્ર તથા જામનગર જિલ્લા પોલીસ દ્વારા સંયુક્ત કામગીરી કરી દૂર કરવામાં આવ્યા છે તેમજ 53,800 ચો.ફૂટથી વધુ જમીન ખુલ્લી કરાઈ છે. તેમજ આ ખુલ્લી કરાયેલ જમીનની બજાર કિંમત અંદાજીત રૂ.10 કરોડ જેટલી થાય છે. આ તમામ દબાણો દૂર કરી ખુલ્લી કરવામાં આવેલ આ જમીનનો સરકાર પક્ષે પૂનઃ કબજો મેળવવામાં આવેલ છે.
અનધિકૃત દબાણો દૂર કરવાની આ કામગીરીમાં જિલ્લા કલેકટર સાથે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, શહેર પ્રાંત અધિકારી પ્રશાંત પરમાર, નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલા તથા આર.બી.દેવધા સહિત સંલગ્ન વિભાગોના કર્મચારીઓ તથા પોલીસ જવાનો જોડાયા હતા.