Vadodara Corporation : વડોદરા શહેરના જુદા-જુદા વિસ્તારમાં કાચા પાકા દબાણો માથાના દુખાવા બન્યા છે ત્યારે પાલિકા દબાણ શાખાની ટીમે ખંડેરાવ માર્કેટ ચાર રસ્તાથી ગેરકાયદે ખડકાયેલી ફ્રુટની લારીઓ સહિત ફ્રુટના પથારા વાળાઓ તથા માર્કેટ પાછળ ફ્રુટ માર્કેટ વિસ્તારમાં આડેધડ ખડકાયેલા દુકાનદારોના ફ્રુટના પથારા ગેરકાયદે દબાણનો સફાયો કરીને પ્લાસ્ટિકની 83 ક્રેટો કબ્જે કરી હતી. દબાણ શાખાની ટીમ આવી રહી હોવાની જાણ થતા જ તમામ દુકાનદારોએ ફ્રુટના લગાવેલ પથારા તાત્કાલિક ધોરણે ખસેડી લીધા હતા.
ઉલ્લેખનીય છે કે પાલિકા દબાણ શાખાની ટીમ ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં આજે સવારે ત્રાટકી હતી. ફ્રુટના ગેરકાયદે પથારાવાળા અને ફળફળાદીની લારીઓ વાળાને વિસ્તારમાંથી ખદેડી દીધા હતા. આ ઉપરાંત ખંડેરા માર્કેટ પાછળ કાયમી ધોરણે અડીગો જમાવી રાખનાર ફ્રુટ બજારના વેપારીઓ ફૂટપાથ પર વધારાના ફળફળાદી રાખીને વેપાર ધંધો કાયમી ધોરણે કરતા હોય છે. ઉપરાંત આ વિસ્તાર દિવસ દરમિયાન હેવી વિહિકલ માટેનો પાર્કિંગ ઝોન હોવા છતાં જાહેરનામાનો સરેઆમ ભંગ કરીને ફળફળાદી ભરેલા અને લીલા નાળિયેર ભરેલી ટ્રકો દિવસ પર ખાલી થતી રહે છે. પરંતુ દબાણ શાખાની ટીમ આવી રહી હોવાનું જાણ થતાં જ ફ્રુટના વેપારીઓએ પોતપોતાના ફળફળાદીના પથારા તાત્કાલિક ધોરણે દુકાનમાં ખસેડી લીધા હતા. આમ છતાં દબાણ શાખાની ટીમે પ્લાસ્ટિકની 83 ક્રેટો આ વિસ્તારમાંથી કબજે કરી હતી.