જાડી ચામડી નહીં પણ જાડાં શરીર વિશે ડેટા એકત્ર કરાયો : જૂનાગઢ જિલ્લામાં વર્ગ-1ના 43, 2-ના 90 ને વર્ગ-3ના 446 પગારદારો જાડિયા : કસરત, ખાનપાન અંગે માર્ગદર્શન અપાશે
જૂનાગઢ, : પ્રજાના પ્રશ્નો પરત્વે નહિવત સંવેદનશીલતાને લઈને કેટલા સરકારી પગારદારો જાડી ચામડીવાળાં છે એનો સર્વે તો ક્યારેય થશે કે કેમ તે સંદેહ છે પરંતુ મેદસ્વિતા મુક્ત ગુજરાત અંતર્ગત જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કર્મચારીઓનો બોડી માસ ઇન્ડેક્ષનો ડેટા એકત્ર કરવામાં આવ્યો છે. તેમાં વર્ગ-1ના 43, 2-ના 90, 3ના 446 અને વર્ગ-4ના 173 કર્મચારીઓ જાડિયા હોવાનું સામે આવ્યું છે. કુલ 1835 પૈકી 201 સરકારી પગારદારો મેદસ્વી જણાતાં તેમને મેદસ્વિતા ઘટાડવા માર્ગદર્શન આપવામાં આવશે.
વર્તમાન સમયમાં બેઠાડુ જીવન, ફાસ્ટફૂડ, ખોરાકમાં વધુ પડતો ખાંડ- તેલનો ઉપયોગ, શરીરને શ્રમ આપવાનો અભાવ જોવા મળે છે. જેના પરિણામે નાના બાળકોથી લઈ મોટા લોકોમાં મેદસ્વિતા વધી રહી છે જે ચિંતાજનક છે. સરકાર દ્વારા સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન શરૂ કરાયું છે. જૂનાગઢ કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ કર્મચારીઓના સ્વાસ્થય માટે કર્મયોગી પ્રોજેકટ શરૂ કર્યો છે, જેમાં જિલ્લાના વર્ગ-1થી 4ના 1800 થી વધુ કર્મચારીઓ અને અધિકારીઓનો બોડી માસ ઇન્ડેક્સ ડેટા એકત્ર કરવામાં આવ્યો હતો.
આ ડેટા મુજબ વર્ગ-1ના 43, વર્ગ-2ના 90, વર્ગ-3ના 446 અને વર્ગ-4ના 173 કર્મચારીઓ અને વધુ વજન ધરાવતા તેમજ એકથી ત્રણ ગ્રેડની મેદસ્વિતા ધરાવે છે.
આ કર્મચારીઓ અને અધિકારીઓ માટે દરેક કચેરી મુજબ નોડલ ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે. આગામી સમયમાં વધુ વજન ધરાવતા કર્મચારીઓ અને અધિકારીઓ માટે કેમ્પ યોજાશે, જેમાં નિષ્ણાતો દ્વારા ખાન-પાનમાં રાખવાની કાળજી, કસરત, તનાવ દૂર કરવા અંગે માર્ગદર્શન સહિતની બાબત અંગે માર્ગદર્શન આપશે. કલેક્ટરે આજે યોજાયેલી બેઠકમાં કર્મચારીઓ અને અધિકારીઓને રોજિંદા જીવનમાં ખાંડ, તેલનું પ્રમાણ ઘટાડવા અને નિયમિત યોગા કરવા જણાવ્યું હતું.શહેર ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ ફરજ બજાવતા તલાટી સુધીના કર્મચારીઓનો આ કેમ્પમાં સમાવેશ કરવા પ્રાંત અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. હવે આ કેમ્પમાં કેટલા કર્મચારીઓ ભાગ લઈ જીવનશૈલી અને ખાન પાનની પધ્ધતિ બદલે છે એ જોવું રહ્યું.