એપ્રિલ 1925નાં પ્રથમ સપ્તાહમાં કેશોદ ટ્રેનમાં ઉતર્યા હતા : જૂનાગઢ રાજ્યને બ્રિટિશ સરકાર સાથે ઘનિષ્ઠ સબંધ હતા છતાં ગાંધીજીની યાત્રામાં કોઈ અડચણ ઊભી કરી ન હતી
જૂનાગઢ, : મોહનદાસ કરમચંદ ગાંધીને મહાત્માનું બિરૂદ મળ્યા બાદ તેઓ 1925માં સૌરાષ્ટ્ર અને કાઠીયાવાડના પ્રવાસે આવ્યા હતા, જેને એપ્રિલ 2025ના પ્રથમ સપ્તાહમાં 100 વર્ષ થયાં છે. તે સમયે નવાબી શાસન હતું અને જૂનાગઢ રાજ્યને બ્રિટિશ સરકાર સાથે ઘનિષ્ઠ સબંધ હતા છતાં નવાબી શાસન દ્વારા ગાંધીજીની યાત્રામાં કોઈ અડચણ ઉભી કરી ન હતી.
મહાત્મા ગાંધીજીનો જન્મ પોરબંદરમાં થયો હતો એટલે તેઓ સૌરાષ્ટ્રના જ હતા. આઝાદીની લડત માટે તેઓ દેશના વિવિધ વિસ્તારમાં પરિભ્રમણ કરતા હતા. ઇતિહાસકારોના મતે 1815માં ગાંધીજીને મહાત્મા તરીકે સંબોધવામાં આવ્યા હતા. મહાત્માનું બિરૂદ મળી ગયા બાદ તેઓ એપ્રિલ 1925ના પ્રથમ સપ્તાહમાં સૌરાષ્ટ્ર અને ખાસ કરીને કાઠિયાવાડના પ્રવાસે આવ્યા હતા. 1925ના એપ્રિલ માસના પ્રથમ સપ્તાહમાં મહાત્મા ગાંધીજી બોટાદ, રાણપુર, સોનગઢ, પાલિતાણા, લાઠી, અમરેલી, ચલાળા, ઢસા, બગસરા થઈ કેશોદ સ્ટેશન પર ઉતર્યા હતા. કેશોદથી મોટર માર્ગે માંગરોળ પહોંચ્યા હતા ત્યાં મણિલાલ અંદરજીને ત્યાં ઉતર્યા હતા.
તે સમયે જૂનાગઢનું નવાબી રાજ્ય એ સૌરાષ્ટ્રનું પ્રથમ વર્ગનું રાજ્ય હતું. નવાબને બ્રિટીશ સરકાર સાથે ઘનિષ્ઠ સબંધ હતા છતાં નવાબ, દિવાન દ્વારા ગાંધીજીની યાત્રામાં કોઈ અડચણ ઉભી કરવામાં આવી ન હતી. માંગરોળમાં વિશાળ સભા યોજાઈ હતી જ્યાં તેઓને માનપત્ર આપવામાં આવ્યું હતું. 10 એપ્રિલના માંગરોળથી માણાવદર પહોંચ્યા હતા. ગાંધીજીએ ટ્રેનમાં યાત્રા કરી પોતાની સાદગીનો પરિચય આપ્યો હતો પરંતુ હાલના નેતાઓ તો લકઝરીયસ વાહનોમાંથી પગ નીચે મુકતા નથી એ બાબત પણ નોંધનીય છે.