– આરોપી હવાલા દ્વારા પૈસાની લેતી-દેતી કરતો હતો હેરોઈન બનાવવા માટે તેણે અફઘાનિસ્તાનમાંથી બે ગુંડાઓને બોલાવ્યા હતા
નવી દિલ્હી : પ્રવર્તન નિર્દેશનાલય (ઈડી)નાં પંજાબ યુનિટે એક ખતરનાક ડ્રગ માફીયા અક્ષયકુમાર છાવડાની ધરપકડ કરી છે. તેની વિરૂદ્ધ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા ચંડીગઢમાં કેસ દાખલ કરાયો છે. આરોપી દીબુ્રગઢ નાસી ગયો હતો ત્યાંથી ઈડી તેને પકડીને ચંડીગઢ લાવી હતી.
આ આરોપી ટમેટા અને દાડમની કળીના જ્યુસ દ્વારા હેરોઈનની તસ્કરી કરતો હતો. તેમાંથી મેળવેલા પૈસાથી તેણે કેટલીયે પ્રોપર્ટી ખરીદી હતી. તેની ડ્રગ સીન્ડીકેટ, મની લોન્ડરિંગમાં પણ વ્યસ્ત હતી તે અંગે પણ ઈડી તપાસ કરી રહી છે.
અત્યારે ચાલી રહેલી તપાસમાં તેટલું તો સ્પષ્ટ રીતે બહાર આવ્યું છે. આ ૧૫૦ કરોડનું મની લોન્ડરીંગને કેવી રીતે કરતો હતો. તે સાથે તેના નાર્કો ષડયંત્રની પણ તપાસ થઈ રહી છે.
ઈડીને તેમની તપાસ દ્વારા જાણવા મળ્યું છે કે, તે હવાલા રેકેટ ચલાવી પૈસાની લેતી-દેતી કરતો હતો. વધુમાં તેમ પણ તેણે જણાવ્યું હતું કે, તે હેરોઈન બનાવવા માટે તેણે અફઘાનિસ્તાનમાંથી બે ગુંડાઓને બોલાવ્યા હતા જેમના દ્વારા તે હેરોઈન તૈયાર કરાવતો હતો.
ઉલ્લેખનીય છે કે હેરોઈન (અફીણવ)ને પાણી સાથે ઘસતાં તેમાંથી લાલ રંગનું પ્રવાહી બને છે જે ટમેટાં કે દાડમની કળીના રસ જેવું જ લાગે છે. એટલે ટમેટાં કે દાડમની કળીના રસમાં તે ભેળવી શકાય છે. અક્ષયકુમાર આવા ધંધા કરતો હતો, તેણે કરોડો રૂપિયા ભેગા કર્યા હતા. હવાલા કાંડ તો છેક દુબઈ સુધી પહોંચ્યું હતું.