– ઉખરલા ગામે આવેલા ગોડાઉન-ઓફિસમાં ઘોઘા મામતલદારની ટીમ ત્રાટકી
– 1500 કિલોના એક્સપ્લોઝીવ પરવાનાની સામે 62 હજાર કિલોનો સ્ટોક મળ્યો, 51 લાખનો મુદ્દામાલ સીઝ
ભાવનગર : ભાવનગર જિલ્લા પંચાયતના કોંગ્રેસના પૂર્વ મહિલા સદસ્યના ફટાકડાના ગોડાઉન-ઓફિસમાં ઘોઘા મામલતદાર અને તેમની ટીમે ત્રાટકી તપાસ કરતા એક્સપ્લોઝીવ પરવાનાથી અનેક ગણો વધો સ્ટોક રાખ્યો હોવાનું ખુલતા બે ગોડાઉન અને એક ઓફિસને સીલ મારી દેવામાં આવી હતી.
ડીસાની ફટાકડા ફેક્ટરીના અગ્નિકાંડની ઘટનામાં ૨૧ મજૂરના મોતની ઘટના બાદ ભાવનગર કલેક્ટર તંત્ર દ્વારા જિલ્લામાં આવેલી બારમાસી ફટાકડાની દુકાનો, હોલસેલર્સ તેમજ ગોડાઉનોમાં તપાસનો આદેશ છોડવામાં આવ્યા હતા. જેના પગલે ગઈકાલે ગુરૂવારે મોડી સાંજ બાદ ઘોઘા મામલતદાર બ્રહ્મભટ્ટ અને તેમની ટીમ દ્વારા ઉખરલા ગામે મામસા-નેસવડ રોડ પર આવેલા જિલ્લા પંચાયતના દિહોર સીટના કોંગ્રેસના પૂર્વ સદસ્ય નિર્મળાબેન ઈશ્વરભાઈ જાનીની માલિકીના જાની ફટાકડા હાઉસ નામના બે ગોડાઉન અને ઓફિસમાં તપાસ કરતા ચીફ કંટ્રોલર એક્સપ્લોઝીવ-વડોદરા તરફથી ૩૦૦ + ૧૨૦૦ મળી ૧૫૦૦ કિલોના એક્સપ્લોઝીવની મયાર્દામાં સ્ટોક કરવાનું માર્ચ-૨૦૨૭ સુધીનો પરવાનો હતો. તેની સામે બન્ને ગોડાઉન અને ઓફિસમાં અનિધિકૃત રીતે આશરે ૬૨ હજાર કિલો જેટલા ફટાકડાનો સ્ટોક કરેલો મળી આવ્યો હતો. જેથી મામલતદારની ટીમે આશરે ૫૧ લાખની કિંમતના ફટાકડાનો સ્ટોક સીઝ કરી બન્ને ગોડાઉન અને એક ઓફિસને સીલ મારી કલેક્ટર, પ્રાંત અધિકારી વગેરેને આગળની કાર્યવાહી માટે રિપોર્ટીંગ કર્યું હોવાની મામલતદાર બ્રહ્મભટ્ટે વિગતો આપી હતી.
શહેરમાં 3 વેપારી પાસે ફાયર એનઓસી જ નથી
જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા તપાસના છૂટેલા આદેશને લઈ ફાયર વિભાગ દ્વારા ગુરૂવારે શહેરમાં દાણાપીઠ, બહુમાળી ભવન, આંબાચોક, વોરા બજાર વિસ્તારમાં આવેલા ફટાકડાના હોલસેલ-રિટેલના ચાર વેપારીઓને ત્યાં ઈન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. જેમાં અજવા ટ્રેડર્સ-દાણાપીઠ, શ્રીજી ફટાકડા-એઈઆઈસી ઓફિસ, નિર્મળનગર, બહુમાળી ભવન નજીક અને આદમભાઈ ફટાકડાવાળા-દરબારગઢ, આંબાચોક પાસે ફાયર એનઓસી ન હોવાથી નોટિસ ફટકારવામાં આવી હતી. વધુમાં ફટાકડાની નવી દુકાન-ગોડાઉન માટે એસડીએમ તરફથી મંજૂરી પ્રક્રિયા શરૂ હોય તો ત્યાં ઈન્સ્પેક્શન કરવા માટે ફાયર વિભાગને જાણ કરવા કલેક્ટરમાં પત્ર લખવામાં આવ્યો હોવાનું ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.