![]()
વડોદરા, તા.10 શહેરના છાણી વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલે ગઇ રાત્રે દરોડો પાડી મોટા જથ્થામાં દારૃ ઝડપી પાડયા બાદ શહેર પોલીસ પણ સફાળી જાગી છે અને વિવિધ સ્થળે દરોડા પાડીને દારૃ તેમજ બીયરનો જથ્થો ત્રણ સ્થળેથી ઝડપી પાડયો હતો.
ગઇ રાત્રે વિજિલન્સની રેડ બાદ શહેર પોલીસની વિવિધ બ્રાંચો પણ દિવાળી પહેલા પોતાનું નાક ના કપાય તે માટે એક્ટિવ થઇ છે. શહેરના નાગરવાડા વિસ્તારમાં પ્રકાશનગર વોર્ડ નંબર-૮ની સામે રહેતો નિખીલ રાજુભાઇ કહાર પોતાના ઘરમાં દારૃ મંગાવી વેચાણ કરે છે તેવી માહિતીના આધારે પીસીબીએ દરોડો પાડી તેના ઘરમાંથી દારૃ-બીયરની રૃા.૧.૬૮ લાખ કિંમતની ૬૨૧ બોટલો અને એક મોબાઇલ કબજે કરી નિખીલ કહારની ધરપકડ કરી હતી. દારૃનો જથ્થો મધ્યપ્રદેશના ઇમરાન ટોપી પાસેથી લીધો હોવાની કબૂલાતના આધારે પોલીસે તેને ફરાર જાહેર કર્યો હતો.
અન્ય બનાવમાં ગોત્રી વીએમસી ક્વાટર્સમાં રહેતો પિયુષ ઉર્ફે લખન મનોજભાઇ ભાવસાર ગોત્રી વાસણારોડ પર ચા-બિસ્કીટની દુકાન પાછળ છાપરું બનાવી ત્યાંથી દારૃનું વેચાણ કરતા રંગે હાથ ઝડપાઇ ગયો હતો પોલીસે તેની પાસેથી રૃા.૧૪૪૬૫ કિંમતના બીયરના ૫૦ ટીન કબજે કર્યા હતાં. આ ઉપરાંત મકરપુરા જીઆઇડીસી ચેનકપ્પા ચોકડી પાસે મહાદેવ પર્વતી મંદિર પાસે ઝાડ નીચે મોપેડ પાર્ક કરી દારૃનું વેચાણ કરતા દિપસિંગ કિરપાલસિંગ સરદાર (રહે.પંચમપાર્ક સોસાયટી, માણેજા)ને પીસીબીએ ઝડપી પાડી તેની પાસેથી રૃા.૧૩૫૦૦ કિમતની દારૃની ૪૫ બોટલો મળી કુલ રૃા.૬૩૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.










