– વર્ષ 2022 માં ધમકી આપી અવાર-નવાર ઘરે બોલાવી દુષ્કર્મ આચર્યું હતું
– ભોગ બનનાર સગીરાને ગુજરાત વિક્ટીમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ 4 લાખનું વળતર આપવા હુકમ
ભાવનગર : મહુવા પંથકમાં એક ૧૩ વર્ષની બાળા સાથે બળાત્કાર ગુજારી ગર્ભ રાખી દેવાના ચકચારી કેસમાં કંટાસરના શખ્સને ૨૦ વર્ષ સખત કેદની સજા ફટકારવામાં આવી છે. જ્યારે ભોગ બનનાર સગીરાને ગુજરાત વિક્ટીમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ ચાર લાખનું વળતર આપવા હુકમ કરાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મહુવા તાલુકાના કંટાસર ગામે રહેતો લાલજી ઉર્ફે લાલો રાઘવભાઈ ચૌહાણ (ઉ.વ.૨૬)એ ૧૩ વર્ષની બાળાને ગત તા.૧૪ ડિસેમ્બર,૨૦૨૨થી નવેક માસ પહેલા તેણી સ્કૂલે જતી હતી. ત્યારે બાવડું પડી ઘરના રૂમમાં લઈ જઈ મોંઢા પર ડૂચો દઈ દુષ્કર્મ આચર્યું હતું. આ શખ્સે બાદમાં સગીરા અને તેના પિતાને મારી નાંખવાની ધમકી આપી ફોન ઉપર વાત કરવા દબાણ કરી ભોગ બનનારને અવાર-નવાર ઘરે બોલાવી હવસનો શિકાર બનાવતા બાળાને ગર્ભ રહી ગયો હતો. જે વાતની તેણીના પરિવારજનોને જાણ થતાં સમગ્ર બનાવ અંગે ભોગગ્રસ્તની માતાએ લાલજી ઉર્ફે લાલો ચૌહાણ સામે મહુવા પોલીસમાં પોક્સો, એટ્રોસિટી અને બળાત્કાર ગુજારી ગર્ભ રાખી ધમકી આપ્યા સહિતની કલમ અન્વયે ફરિયાદ નોંધાવી હતી.પોલીસે શખ્સની ધરપકડ કરી જરૂરી તપાસ બાદ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.
દરમિયાનમાં આ અંગેનો કેસ મહુવાની પોક્સો કોર્ટમાં ચાલી જતાં આજે કેસની આખરી સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં સરકારી વકીલ કે.એચ. કેસરીની દલીલો, રજૂ થયેલા આધાર-પુરાવાઓ વગેરેને ગ્રાહ્ય રાખી ન્યાયમૂર્તિએ પાટિલે આરોપીને આઈપીસી ૩૭૬ (ર) (જે) (એન), ૩૭૬ (૩) અને પોક્સો એક્ટની કલમ ૪, ૬ મુજબના શિક્ષાને પાત્ર ગુનામાં તકસીરવાન ઠેરવી આરોપીને ૨૦ વર્ષ સખત કેદની સજા અને ૧૦ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. અને જો દંડ ન ભરે તો વધુ ત્રણ માસ સખત કેદની સજા ફટકારી હતી. આ ઉપરાંત ભોગ બનનારને પુર્નવસન, શારીરિક-માનસિક વ્યથા સબબ તથા ગુજરાત વિક્ટીમ કોમ્પેન્સેશન સ્કીમ-૨૦૧૯ અન્વયે ચાર લાખનું વળતર આપવાનો હુકમ કર્યો હતો.