![]()
Gandhinagar News: ગાંધીનગર શહેર નજીક આવેલા ઇન્દ્રોડા ગામમાં રહેતા રિક્ષા
ચાલક યુવાનનો આજે સવારના સમયે કિલ્લા પાસે માથામાં ફટકા મારીને હત્યા કરાયેલી
હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. તેની બાજુમાં જ રિક્ષા ઉભી હતી. જે સંદર્ભે હાલ
પોલીસ દ્વારા અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો દાખલ કરીને તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે. જોકે આ હત્યામાં કોઈ પરિચિત વ્યક્તિનો હાથ હોવાની શંકા પોલીસ
દ્વારા સેવવામાં આવી છે.
ઘટના અંગે મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર શહેર નજીક આવેલા
ઇન્દ્રોડા ગામમાં રહેતા 42 વર્ષીય અરજણજી મોહનજી ઠાકોર રિક્ષા ચલાવીને પરિવારનું
ગુજરાન ચલાવતા હતા. ગઈકાલે તેઓ રિક્ષા લઈને ઘરેથી નીકળ્યા હતા અને સાંજે ચાર
વાગ્યા પછી તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો. જેના કારણે પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા
હતા અને તેમની શોધખોળ શરૃ કરી હતી. ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં તપાસ
કરવામાં આવી હતી. એટલું જ નહીં તેમનો ફોન પણ બંધ આવતો હતો. જેના કારણે તેમની
ચિંતામાં વધારો થઈ ગયો હતો. આ દરમિયાન આજે સવારના સમયે પરિવારજનો શોધતા શોધતા
ઇન્દ્રોડાના કિલ્લા પાસે પહોંચ્યા હતા. જ્યાં તેમની રિક્ષા જોવા મળી હતી. જેની
બાજુમાં જ અરજણજીનો મૃતદેહ ગંભીર ઘાયલ અવસ્થામાં પડયો હતો. જેના કારણે પરિવારજનો હેબતાઈ
ગયા હતા અને આ ઘટના સંદર્ભે ઇન્ફોસિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ ઉપર
પહોંચી હતી.
જ્યાં પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, તેમના માથામાં
ધોકાઓ વડે હુમલો કરવામાં આવ્યો હતો અને તેના કારણે ખોપડી પણ ફાટી ગઈ હતી અને
તેમનું સ્થળ ઉપર જ મોત થઈ ગયું હતું. પોલીસ દ્વારા તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ
માટે મોકલી આપવામાં આવ્યો છે અને આ ઘટના સંદર્ભે તેમના પિતરાઈ ભાઈ શૈલેષજી જુહાજી
ઠાકોરની ફરિયાદના આધારે અજાણ્યા વ્યક્તિઓ સામે હત્યાનો ગુનો દાખલ કરીને શોધખોળ શરૃ
કરવામાં આવી છે. જોકે પોલીસ માની રહી છે કે,
ઇન્દ્રોડા ગામ પાસે જ આ હત્યા કરવામાં આવી હોવાથી તેમાં કોઈ પરિચિત વ્યક્તિનો
હાથ હોવાની પૂરેપૂરી શંકા છે. હાલ પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ
ચકાસવાના શરૃ કરી દીધા છે.










