Ahmedabad Sola Civil Hospital news : અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલના ડૉક્ટરોએ સગર્ભા મહિલા દરદીને ડિલીવરી થઈ ગયા બાદ ટાંકાં તોડાવવા ગયા ત્યારે તેને ટીબી હોવાનું દર્શાવીને તેને ટીબીની સારવાર આપવા માંડી હતી. ત્યારબાદ પણ દર્દીની તબિયત કથળતા દર્દીના પતિએ તેને મેઘાણી નગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી ત્યારે અસારવા સિવિલ હોસ્પિટલના ડૉક્ટર્સે તેને ટીબી જ ન હોવાનું નિદાન કરતાં દર્દીના પતિએ આઘાત અનુભવ્યો હતો, પરંતુ મેઘાણી નગર સિવિલમાં જ સારવાર દરમિયાન કિસનસિંહ ભલુસિંહ રાવતની પત્ની ધર્મિષ્ઠા રાવતનું મૃત્યુ નીપજ્યું હતું.
ગુજરાત મેડિકલ કાઉન્સિલને કરવામાં આવેલી ફરિયાદમાં કિસનસિંહ રાવતે જણાવ્યું છે કે ઓગસ્ટ 2023માં બાળકને સીઝેરિયનથી જન્મ આપ્યા પછી આઠ સપ્ટેમ્બર 2023ના ટાંકા તોડાવવા ગયા ત્યારે ધર્મિષ્ઠાની તબિયત નરમ રહેતા હોસ્પિટલમાં એડમિટ કરી હતી. થોડા દિવસ પછી સોલા સિવિલના ડૉક્ટરોએ કહ્યું હતું કે ધર્મિષ્ઠાને ટીબી થયો છે. તેથી ટીબીની દવા ચાલુ કરી છે. ટીબીની દવા લીધા પછીય ધર્મિષ્ઠાની તબિયત બગડી હતી અને સતત વૉમિટ થતી હતી. આ અંગે ડૉક્ટર સાથે વાત કરતાં ટીબીની દવાને કારણે આરંભમાં આા તકલીફ થશે તેમ જણાવ્યું હતું.પરંતુ ત્યારબાદ પણ ધર્મિષ્ઠાની તબિયત ન સુધરતા તેના પતિ કિસનસિંહ રાવતે ડૉક્ટરની ઇચ્છા વિરુદ્ધ રજા લઈને તેને અમદાવાદના મેઘાણીનગર વિસ્તારની સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરી હતી.
સોલા સિવિલ હોસ્પિટલના ડૉક્ટરોએ આપેલી ડિસ્ચાર્જ સમરીમાં ધર્મિષ્ઠાને ટીબી હોવાનું દર્શાવેલું છે. આ રિપોર્ટ અને દરદીની ચકાસણી કર્યા બાદ અસારવા સિવિલના ડૉક્ટરોએ કહ્યુ હતું કે ધર્મિષ્ઠાને ટીબી જ નથી. તેમને પેટમાં ઇન્ફેક્શન થયેલું છે અને પાણી ભરાઈ ગયેલું છે. તેમનું ઓપરેશન કરવું પડશે. પરંત તબિયત કરવા છતાં બચવાની શક્યતા ઓછી જણાય છે. અસારવા સિવિલમાં ધર્મિષ્ઠાનું ઓપરેશન કર્યું છતાં ૧૬મી ઓક્ટોબરે તેનું મૃત્યુ નીપજ્યું હતું. પરિણામે ખોટી સારવાર આપનાર ડૉક્ટરો સામે પગલાં લેવાની માગણી કરતી એક અરજી મેડિકલ કાઉન્સિલને પણ આપવામાં આવી છે. મેડિકલ કાઉન્સિલે પણ દરદી ગરીબ હોવાથી કોઈ જ પગલાં ન લીધા હોવાની લાગણી મૃતકના પતિ વ્યક્ત કરી રહ્યા છે.