![]()
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટી કેમ્પસની સુરક્ષા વ્યવસ્થા પર પહેલા પણ સવાલો ઉઠેલા છે.હવે તેમાં વધુ એક ગંભીર ચૂક સામે આવી છે.યુનિવર્સિટી કેમ્પસની દરેક ફેકલ્ટીમાં ચાર થી પાંચ બ્લેક સ્પોટ હોવાનું સત્તાધીશોના સર્વેમાં જાણવા મળ્યું છે.
યુનિવર્સિટીના સત્તાધીશોનું કહેવું છે કે, બ્લેક સ્પોટ એટલે એવી જગ્યાઓ છે જે કોઈ પણ સીસીટીવી કેમેરાની રેન્જમાં નથી.અત્યારે દરેક ફેકલ્ટીમાં સરેરાશ ચાર થી પાંચ સીસીટીવી કેમેરા લાગેલા છે.જોકે આ કેમેરામાંથી પણ કેટલાક બંધ છે અને ચાર થી પાંચ કેમેરાથી ફેકલ્ટીનું કેમ્પસ કવર થઈ શકે તેમ નથી.આ સંજોગોમાં નવા કેમેરા લગાવવાની કવાયત આગામી દિવસોમાં શરુ કરવામાં આવનાર છે.દરેક ફેકલ્ટીમાં બીજા પાંચ થી ૧૦ કેમેરા ઈન્સ્ટોલ કરાશે.
રજિસ્ટ્રાર ડો.ચૂડાસમાએ કહ્યું હતું કે, યુનિવર્સિટી કેમ્પસમાં અત્યારે લાગેલા કેમેરા પૈકી કેટલા બંધ અને ચાલુ છે તેનો સર્વે પણ શરુ કરવામાં આવ્યો છે.અત્યારના કેમેરાને જરુર પડે તો અપગ્રેડ કરાશે.અત્યારે તો બ્લેક સ્પોટ પર કેમેરા લગાડવા માટે ડીનને સત્તા આપવામાં આવી છે.ે એ પછી સમગ્ર કેમ્પસને કેમેરાથી કવર કરવા માટે સાત તબક્કામાં કામગીરી કરવાની યોજના બનાવાઈ છે. સાત સ્થળોએ સીસીટીવી મોનિટર કરવા માટે કંટ્રોલ રુમો બનશે અને એક મુખ્ય કંટ્રોલ રુમ હેડ ઓફિસ ખાતે બનાવાશે.
આખા કેમ્પસમાં સીસીટીવી કેમેરા લગાવવાનો પ્રોજેકટ ૩ વર્ષ પહેલા અભરાઈ પર ચઢાવી દેવાયો
તત્કાલિન વાઈસ ચાન્સેલર પ્રો.પરિમલ વ્યાસના કાર્યકાળમાં સમગ્ર કેમ્પસને સીસીટીવી કેમેરાથી કવર કરવાનો પ્રોજેકટ શરુ કરાયો હતો.પહેલા તબક્કામાં હોસ્ટેલ અને યુનિવર્સિટી હેડ ઓફિસ સહિતના સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવાયા હતા.બીજા તબક્કામાં મુખ્ય કેમ્પસને કવર કરવાની યોજના હતી.જોકે પ્રો.વ્યાસનો કાર્યકાળ ૨૦૨૧માં પૂરો થયા બાદ વાઈસ ચાન્સેલર બનેલા ડો.શ્રીવાસ્તવના કાર્યકાળમાં આ પ્રોજેકટને અભરાઈ પર ચઢાવી દેવાયો હતો અને મુખ્ય કેમ્પસમાં હજી પણ અપૂરતા સીસીટીવી કેમેરાના કારણે સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉઠતા રહ્યા છે.










