અમદાવાદ, રવિવાર
વટવામાં મહિલાને પ્રેમલગ્ન કરવાનું ભારે પડયું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં શંકાશીલ પતિના ત્રાસથી મહિલાએ આપઘાત કર્યો હતો. જેમાં અજાણ્યા નંબર પરથી ફોન આવતા પતિએ શંકા રાખીને તકરાર કરી હતી. જેને લઇને મનમાં લાગી આવતા મહિલાએ ફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી. વટવા પોલીસે પતિ સહિત ત્રણ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ભાઇબીજના દિવસે પિયરીયા જમવા આવ્યા ઃ બીજા દિવસે પિતાને વાત કરી કલાકમાં જ જીવન ટૂંકાવ્યું
મેઘાણીનગર વિસ્તારમાં રહેતા અને ટેક્ષી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા યુવકે વટવા પોલીસ સ્ટેશનમાં વટવામાં રહેતા જમાઇ અને પરિવારના સભ્યો સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવી છે કે નવ વર્ષ પહેલા તેમની દિકરી સગીરા હતી ત્યારે તેમના પાડોશમાં રહેતો આરોપી સાથે ભાગી ગઇ હતી. જેથી જે તે સમયે તેની સામે ફરિયાદ કરી હતી. જો કે ત્રણ વર્ષ પહેલાં જ આરોપી સાથે ફરી ભાગીને પ્રેમલગ્ન કરી લીધા હતા.
ત્યારબાદ વટવામાં સાસરીમાં રહેતી હતી એક વર્ષ બાદ દિકરીએ પરિવાર સાથે વાતચીત કરવાની શરુઆત કરી હતી. જેમાં પિતાને ફોન કરીને પતિ સહિત સાસરીયા શારિરીક માનસિક ત્રાસ આપતા હોવાની વાત કરી હતી કે મારા પતિ શંકા વહેમ રાખીને તકરાર કરે છે અને સાસરીયા તું મરી જાને, મારા દીકરાને ક્યાં ભટકાણી તેમ કહીને મહેણા મારતા હતા. તા.૨૩મીના રોજ ભાઇબીજના દિવસે દિકરીએ પિયરના સભ્યોને જમવા બોલાવ્યા બાદ બીજા દિવસે સવારે દિકરીએ ફોન કરી કહ્યું કે આજે મારા ફોનમાં કોઇ અજાણ્યા નંબરથી ફોન આવતા પતિ શંકા વહેમ રાખીને તકરાર કરે છે કહેતા માતાએ દીકરીને સમજાવી હતી અને કલાક પછી દિકરીએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.










