વડોદરાઃ સરદાર પટેલનું ભારત સુરક્ષા અને સન્માનના મુદ્દે ક્યારેય સમાધાન કરતું નથી તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એકતા નગર ખાતે સરદાર પટેલની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણી નિમિત્તે કહ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે, જો કાશ્મીર સમસ્યાના નિરાકરણ માટે સરદાર સાહેબે આપેલા સૂચનોનો અમલ કરાયો હોત તો આજે આખુ કાશ્મીર ભારતનું અભિન્ન અંગ હોત પણ તે સમયની સરકારે અને વડાપ્રધાન નહેરુએ સરદાર પટેલની ઈચ્છા પૂરી થવા દીધી નહોતી.કોંગ્રેસે ભુલાવી દીધેલા સરદાર પટેલના વિઝનને ૨૦૧૪ પછી જીવંત કરાયું છે.
વડાપ્રધાને આગળ કહ્યું હતું કે, ૧૧ વર્ષમાં ભારતે નકસલવાદ અને માઓવાદની કમર તોડી નાંખી છે.આ આતંકવાદનો સંપૂર્ણપણે ખાતમો ના થાય ત્યાં સુધી સરકાર જંપશે નહીં.દેશને આજે સૌથી મોટો ખતરો ઘૂસણખોરોથી છે.આ ઘૂસણખોરો દેશના સંસાધનો પર કબજો જમાવીને વસતીનું સંતુલન પણ બગાડી રહ્યા છે પણ કોંગ્રેસની સરકારોએ વોટ બેન્ક માટે તેમની સામે આંખ બંધ રાખી છે.ઘૂસણખોરો સામે સરકારે નિર્ણાયક લડાઈ લડવાનું નક્કી કર્યું છેબીજી તરફ કેટલાક લોકો ઘૂસણખોરોને અધિકાર અપાવવા માટે રાજકીય લડાઈ લડી રહ્યા છે.તેમને દેશનું ભૂતકાળની જેમ વિભાજન થાય તો પણ ફરક પડતો નથી.આજે રાષ્ટ્રીય એકતા દિવસે આપણે સંકલ્પ લઈએ છે કે, દરેક ઘૂસણખોરોને બહાર કાઢીને જ ઝંપીશું.ઓપરેશન સિંદુરનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, ભારતની અસલી તાકાત શું છે તે આ ઓપરેશનથી પાકિસ્તાન અને આતંકના આકાઓને પણ ખબર પડી ગઈ છે.જો ભારત પર કોઈ આંખ ઉંચી કરશે તો ભારત તેના ઘરમાં ઘૂસીને મારશે.

ભારતીય પ્રજાતિના શ્વાનોના હેરત અંગેજ કરતબ
પરેડમાં સામેલ સશસ્ત્ર દળોની ટુકડીઓનું નેતૃત્વ મહિલાઓએ કર્યું
બીએસએફની ઊંટ ટુકડી આકર્ષણનું કેન્દ્ર બની, ગુજરાતના ટેબ્લોમાં સોમનાથ મંદિરની ઝલક
એકતા નગર ખાતે એક ભવ્ય પરેડ યોજાઈ હતી અને તેમાં બીએસએફ, સીઆરપીએફ, સીઆઈએસએફ તેમજ આઈટીબીપી સહિતના સુરક્ષા દળોની ટુકડીઓએ તેમજ વિવિધ રાજ્યોની પોલીસની ટુકડીઓએ ભાગ લીધો હતો.આ તમામનું નેતૃત્વ મહિલાઓએ કર્યું હતું.
બીએસએફ દ્વારા હવે ભારતીય શ્વાનોને તાલીમ બધ્ધ કરવામાં આવી રહ્યા છે.ઉત્તરપ્રદેશના રામપુરના અને મહારાષ્ટ્રના ભારતીય નસ્લના શ્વાનોએ ૧૮ ફૂટની દીવાલ કુદીને,૨૦ ફૂટના દાદર ચઢીને અને અન્ય કરતબો બતાવી દર્શકોને દંગ કરી દીધા હતા.
સામાન્ય રીતે ૨૬ જાન્યુઆરીની પરેડમાં જોવા મળતી બીએસએફની ઊટ ટુકડી પણ પરેડમાં સામેલ થઈ હતી.જેસલમેરી અને બિકાનેરી ઊંટ પર સવાર થયેલા જવાનો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.વિવિધ રાજ્યોની સિધ્ધિઓ દર્શાવતા ૧૦ જેટલા ટેબ્લો થકી દેશની સાંસ્કૃતિક વિરાસતને રજૂ કરાઈ હતી.ગુજરાતના ટેબ્લોમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજીના કરકમલોથી ભાવનગર સ્ટેટનું ભારતમાં વિલિનીકરણ, સોમનાથ મંદિર, ભૂજના સ્મૃતિવનની ઝલક જોવા મળી હતી.
ઓપરેશન સિંદુરના શૌર્ય ચંદ્રક વિજેતા જવાનો પણ જોડાયા
પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે મે મહિનામાં હાથ ધરાયેલા ઓપરેશન સિંદુરમાં બહાદુરી બતાવનાર બીએસએફના ૧૬ શૌર્ય ચંદ્રક વિજેતાઓ પણ ખુલ્લી જીપમાં બેસીને પરેડમાં જોડાયા હતા.
૮૦૦ કલાકારોની ટુકડીએ શાસ્ત્રીય નૃત્યની કૃતિ રજૂ કરીને સરદાર પટેલને યાદ કર્યા હતા.
સીઆરપીએફના મહિલા કર્મચારીઓએ માર્શલ આર્ટસ અને હથિયાર વગર દુશ્મનનો સામનો કેવી રીતે કરી શકાય તેનું નિર્દેશન કર્યું હતું.










