![]()
Ahmedabad News : અમદાવાદના 79 વર્ષીય વૃદ્ધ સાથે રૂ.30 લાખની છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે. નાણા મંત્રાલય, RBI અને ભારતીય વીમા નિયમનકારી અને વિકાસ સત્તામંડળ (IRDAI) અધિકારીઓની ઓળખ આપીને આરોપીએ સમગ્ર કૌભાંડને અંજામ આપ્યું હતું.
અમદાવાદના 79 વર્ષીય વૃદ્ધ સાથે રૂ.30 લાખની છેતરપિંડી
ઓનલાઇન નાણાકીય છેતરપિંડીના વધુ એક કિસ્સામાં અમદાવાદના 79 વર્ષીય નિવૃત્ત વૃદ્ધે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. સાયબર ક્રાઇમ સેલમાં નોંધાયેલી FIR મુજબ, સાબરમતીના રહેવાસી ફરિયાદી સીતારામ શર્માએ જણાવ્યું હતું કે, ‘જુલાઈ 2024થી ઓક્ટોબર 2025ની વચ્ચે છેતરપિંડી થઈ હતી. આરોપીઓએ પહેલા તેમનો વોટ્સએપ કોલ્સ અને ઇમેઇલ દ્વારા સંપર્ક કર્યો હતો અને દાવો કર્યો હતો કે તેઓ લાખો રૂપિયાની ઇન્સ્યોરન્સ પોલિસી મળવાપાત્ર હોવાનું જણાવ્યું હતું.’
વોટ્સએપ અને મેઈલ કરીને જાળમાં ફસાવ્યા
ફરિયાદીએ જણાવ્યું હતું કે, પહેલો ફોન 16 જુલાઈ 2024ના રોજ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ચીફ જનરલ મેનેજર હોવાનો દાવો કરતા અનિલ કુમાર ભારદ્વાજ નામના વ્યક્તિ દ્વારા આવ્યો હતો. ફોન કરનારે તેમને બનાવટી ઓળખપત્ર અને SBIના લેટરહેડવાળી બનાવટી બેલેન્સ શીટનો ફોટો મોકલ્યો હતો, જેમાં શર્માની વ્યક્તિગત વિગતો અને રૂ.23.75 લાખની “ફંડ રિકવરી રકમ” દર્શાવવામાં આવી હતી. ત્યારબાદ આરોપીએ શર્માને વિવિધ “પ્રોસેસિંગ ચાર્જ” ચૂકવવા માટે સમજાવ્યા અને ફંડ ટ્રાન્સફર માટે તેમને વિવિધ ખાનગી બેંકોના ખાતાની વિગતો પૂરી પાડી હતી.
આ પછી અનેક લોકોએ તેમને વરિષ્ઠ અધિકારીની ઓળખ આપીને ફોન કર્યા હતા. જેમાં IGMSના અધિકારીની ઓળખ આપનાર વિવેક અરોરા, IRDAIના અધિકારી તરીકે સંતોષ કુમાર મિશ્રા, IRDAIના ફંડ મેનેજર તરીકે ઓળખાવતા ચંદન નાથ, અને નાણા મંત્રાલયના આસિસ્ટન્ટ મેનેજર તરીકે ઓળખાવતા શ્યામ સુંદર મુકુન્દાનો સમાવેશ થાય છે. આ બધાએ સરકાર દ્વારા નિયુક્ત કરાયેલા ટાઇટલનો ઉપયોગ કર્યો હોવાનો આરોપ છે અને તેમને RBI, IRDAI, NPCI અને નાણાકીય સેવાઓ વિભાગના બનાવટી લેટરહેડ પર ડિજિટલી બદલાયેલા પત્રો મોકલ્યા હતા, જેમાં કેન્દ્રીય નાણામંત્રી સહિત સત્તાવાર સીલ અને સહીઓનો સમાવેશ થતો હતો.
ટૂકડે-ટૂકડે 30 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા
વોટ્સએપ અને ઇમેઇલ દ્વારા મોકલવામાં આવેલા પત્રોમાં જણાવાયું હતું કે, ફરિયાદીના ઇન્સ્યોરન્સ પોલિસી ફંડ ‘NOC ચાર્જ’, ‘ફંડ મેનેજમેન્ટ ચાર્જ’ અથવા ‘ફાઇલ પ્રોસેસિંગ ફી’ને કારણે બાકી છે અને જેના પૈસા ચુકવણી પર રિલીઝ કરવામાં આવશે. શરૂઆતમાં ફરિયાદીને ખાતરી જતાં તેમના યુનિયન બેંક ઓફ ઇન્ડિયા ખાતામાંથી અનેક બેંકોમાં 30થી વધુ બેંક ખાતાઓમાં વારંવાર RTGS ટ્રાન્સફર કરીને જુલાઈ 2024 અને ઓગસ્ટ 2025ની વચ્ચે આશરે રૂ.20,000 થી રૂ.2 લાખથી વધુના અનેક હપ્તાઓ થઈને કુલ રૂ.30 લાખ ટ્રાન્સફર કર્યા હતા. સમગ્ર ઘટના મામલે અંતે છેતરપિંડી થઈ હોવાની શંકા જતાં પીડિતે ઓગસ્ટ 2025માં નેશનલ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન-1930નો સંપર્ક કર્યો હતો.
આ પણ વાંચો: ઘેર બેઠા ટાસ્ક પુરા કરી રોજ 2000 કમાવવાની ઓફરમાં ફસાયેલા યુવકે 16.60 લાખ ગુમાવ્યા
ત્યારબાદ તેમણે અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીને ડિજિટલ પુરાવા તરીકે પેન ડ્રાઇવ પર બનાવટી પત્રો, બેંક સ્ટેટમેન્ટ, વોટ્સએપ ચેટ અને ઇમેઇલની નકલો સબમિટ કરી હતી. પોલીસે છેતરપિંડી, બનાવટી અને નકલ માટે BNS અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે. જ્યારે પોલીસે યુનિયન બેંક ઓફ ઇન્ડિયા અને ફાઇનાન્સિયલ ઇન્ટેલિજન્સ યુનિટ (FIU-IND) ને પણ આરોપીના ખાતાઓ શોધવા અને કૌભાંડ સાથે જોડાયેલા વ્યવહારો ફ્રીઝ કરવા માટે જણાવ્યું છે.










