Dholka News : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોમાં પડેલા કમોસમી વરસાદના કારણે સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક જગ્યાએ ખેડૂતોના પાકને ભારે નુકસાની થઈ છે. જેમાં અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના ખેડૂતો પર આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ છે. ભારે વરસાદના કારણે બાવળાના બગોદરા, મીઠાપુર, કોઠાતલાવડી, અને કાળી વેજી સહિત તાલુકામાં અનેક ગામોમાં ડાંગરનું વાવેતર કરાયેલા ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. ખેડૂતોએ જે પાકને ઉછેરવા માટે દિવસ-રાત મહેનત કરી હતી, તે મહેનત પર આજે પાણી ફરી વળ્યું છે.

અમદાવાદના બાવળાના અનેક ગામડાઓમાં ખેતરોમાં હાલમાં ડાંગરનો પાક સંપૂર્ણપણે પાણીમાં ડૂબેલો છે, જેના કારણે જગતનો તાત સંપૂર્ણપણે નિરાશ અને હતાશ બન્યો છે. આ આફતે માત્ર પાકને જ નષ્ટ નથી કર્યો, પરંતુ ખેડૂતોની આર્થિક કમર પણ તોડી નાખી છે.
પાક નુકસાનીનું વળતર ચૂકવી દેવા માફ કરવાની ખેડૂતોની માગ
આ કુદરતી આફતથી ભાંગી પડેલા ખેડૂતો હવે ગુજરાત સરકાર સમક્ષ તાત્કાલિક રાહત અને સહાયની માગ કરી રહ્યા છે. ખેડૂતોની મુખ્ય માગ છે કે, પાક નુકસાનનો સચોટ અને ઝડપી સર્વે હાથ ધરવામાં આવે, જેથી વળતરની પ્રક્રિયામાં જરાય વિલંબ ન થાય. દેવાના ડુંગરમાંથી બહાર નીકળવા અને ફરીથી ખેતીનું સાહસ ખેડવા માટે, ખેડૂતોએ સરકારને વહેલી તકે વળતરરૂપી ‘જીવનદાન’ આપવા વિનંતી કરી છે અને દેવા માફ કરવા માગ કરી છે.

આ પણ વાંચો: “ખેડૂતોને ગીરવે મૂક્યા તો ખેર નથી,” અમરેલીથી શરૂ થયેલા ‘ખેડૂત સત્યાગ્રહ’માં ધાનાણીની AAP-સરકારને ચિમકી
મળતી માહિતી મુજબ, બાવળા તાલુકામાં કુલ 36,665 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં 33,813 હેક્ટરમાં ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું છે અને બાકી હેક્ટરમાં મગ, મઠ, શાકભાજી, ઘાસચારો વગેરેનું વાવેતર કરવામાં આવ્યું છે










