Baroda News : વડોદરામાં ભગવાન નરસિંહજીના વરઘોડાનું આજે 5 નવેમ્બરની સાંજે પાંચ વાગ્યે પ્રસ્થાનમાં જાનૈયા તરીકે સામેલ થવા માટે હજારો ભક્તો ઉમટી પડ્યા હતા. જેમાં ચાર દરવાજા વિસ્તાર ભક્તોથી ભરચક જોવા મળ્યો હતો. આ દરમિયાન ભક્તોએ ભગવાનના વરઘોડા પર પુષ્પ વર્ષા કરી હતી.
ભગવાન નરસિંહજીનો 288મો વરઘોડો
ઉલ્લેખનીય છે કે, આજે ભગવાન નરસિંહજીનો 288મો વરઘોડો નિકળ્યો હતો. ભગવાનનો વરઘોડો રાત્રે 8 વાગ્યા પછી વિઠ્ઠલનાથજી મંદિરે પહોંચ્યો હતો અને ત્યા ભગવાનને ભોગ ધરાવવામાં આવ્યા બાદ રાત્રે 11 વાગે વરઘોડો તુલસી વાડી પહોંચશે. જ્યારે મોડી રાત્રે તુલસી વિવાહની વિધી સંપન્ન થયા બાદ વહેલી સવારે વરઘોડો મંદિરે પરત આવશે.

વરઘોડામાં 100થી વધુ NRI આવ્યા
મળતી માહિતી મુજબ, આ વર્ષે પણ વરઘોડામાં સામેલ થવા માટે વિદેશથી 100થી વધુ એનઆરઆઇ આવ્યા છે. સવારે મંદિરે ભગવાનની ચાંદલા વિધીમાં હજારો ભક્તો આવતા તેમની લાંબી કતાર જોવા મળી હતી. વરઘોડામાં હનુમાનજી, ભગવાન શંકર તેમજ અન્ય દેવી દેવતાની વેશભુષાએ ભારે આકર્ષણ વધાર્યુ હતું. ઢોલ નગારાના તાલે ભક્તોએ ભગવાનનો જય ઘોષ કરતા સમગ્ર ચાર દરવાજા વિસ્તારમાં ભક્તીમય માહોલ સર્જાયો હતો. વરઘોડાના દર્શન માટે એક લાખથી વધુ ભક્તો ઉમટે તેવી સંભાવનના ધ્યાનમાં રાખી પોલીસે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.

ચૂસ્ત પોલીસ બંદોબસ્ત
ભગવાન શ્રીનરસિંહજીના વરઘોડાના દર્શન કરવા માટે તેમજ વરઘોડામાં જાનૈયા તરીકે સામેલ થવા માટે હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોવાથી પોલીસ દ્વારા વરઘોડાના સમગ્ર રુટ પર ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: સાળંગપુરમાં દેવ દિવાળીએ દાદાને શણગાર, ડાયમંડ જડિત મયુરાકાર મુગટથી શોભી ઉઠ્યા કષ્ટભંજન દેવ
પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, બંદોબસ્તમાં અધિક પોલીસ કમિશનર ઉપરાંત 6 ડીસીપી, 9 એસીપી, 50 પીઆઇ તેમજ 1000 જવાનોનો બંદોબસ્ત ગોઠવાયો છે. આ ઉપરાંત 500થી વધુ હોમગાર્ડ જવાનોને પણ બંદોબસ્તમાં પરજ સોંપાઇ છે. વરઘોડા રુટમાં સંવેદનશિલ વિસ્તાર આવતો હોઇ ધાબા પોઇન્ટ, ડીપ પોઇન્ટ અને હાઇરાઇઝ પોઇન્ટ પણ ગોઠવાયા છે, તેમજ સમગ્ર રુટ પર સીસીટીવી કેમેરા દ્વારા નજર રાખવામાં આવી રહી છે.











