અમદાવાદ,સોમવાર
શહેરના ઓઢવ વિસ્તારમાં રહેતો અને એચ જે કોલેજમાં અભ્યાસ કરતા ૧૯ વર્ષીય યુવાને વીએસ હોસ્પિટલ પાસે આવેલા મહેતા કોમ્પ્લેક્સના પાંચમાં માળેથી ઝંપલાવીને આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે મૃતકના પિતાના બેંક એકાઉન્ટમાંથી અલગ અલગ સમયે નાણાં કટ થયા હતા. જેથી પિતાએ તેને ફોન કર્યો હતો પણ તેણે થોડીવારમાં ફોન કરવાનું કહીને જીવન ટુંકાવ્યું હતું. પુત્ર ઓનલાઇન ગેમમાં નાણાં હારી ગયો હતો અને તેના પિતાના ઠપકા ડરથી તેણે અંતિમ પગલું ભર્યું હોવાની શક્યતાને આધારે એલિસબ્રીજ પોલીસે તપાસ શરૂ કરી છે. આ સમગ્ર બનાવની વિગતો એવી છે કે શનિવારે રાતના ૧૧ વાગે સમર્થ ભોલે નામના ૧૯ વર્ષીય વ્યક્તિ વી એસ હોસ્પિટલ પાસે આવેલા મહેતા કોમ્પ્લેક્સના પાંચમાં માળેથી નીચે પટકાયો હતો. તેને સારવાર માટે અસારવા સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ અંગે પોલીસે તેના પિતા સુભાષભાઇનું નિવેદન નોંધતા જાણવા મળ્યું હતું કે મૃતક સાણંદ સર્કલ પાસે આવેલી એચ જે કોલેજમાં અભ્યાસ કરતો હતો. શનિવારે સુભાષભાઇના મોબાઇલ ફોન પર બેંકમાંથી અલગ અલગ સમયે ૩૬૫૦૦ ઉપડી જવાના મેસેજ આવ્યા હતા. જેથી તેમણે પુત્રને બંેકમાંથી રૂપિયા કપાવવા બાબતે કોલ કર્યો હતો. પરંતુ, સમર્થે થોડીવારમાં કોલ કરવાનું કહીને ફોન કટ કર્યો હતો. ત્યારબાદ ફોન ઉપાડયો નહોતો. જેથી પિતાએ આશંકા વ્યક્ત કરી છે કે તે ફોનમાં ઓનલાઇન ગેમ રમતો હતો અને નાણાં હારી જતા ઠપકાના ડરથી તેણે આત્મહત્યા કરી છે. આ સમગ્ર મામલે એલિસબ્રીજ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.