Ahmedabad Accident News: દેશના અન્ય મહાનગરોની સરખામણીએ મેગા સિટી અમદાવાદને અનેક લોકો ગતિનો પર્યાય માને છે. પણ, ઓવરસ્પીડ જ અમદાવાદમાં અકસ્માતનું સૌથી મોટું કારણ બની રહી છે. શહેરના એક ડઝન એવા રસ્તાઓ છે કે જ્યાં મોટાભાગે વધુ ઝડપે દોડતાં વાહનો જીવલેણ અકસ્માતો સર્જે છે. એક અભ્યાસ મુજબ, અમદાવાદમાં અકસ્માતના કારણે દરરોજ ઓછામાં ઓછા 20 લોકો હોસ્પિટલમાં પહોંચે છે.
ખાસ કરીને સડસડાટ ગાંધીનગર પહોંચાડતો સનાથલથી વૈષ્ણોદેવી સર્કલ સુધીનો એસ.જી. હાઈવે દરરોજ દસ નાના-મોટા અકસ્માતોથી ‘જેટલો ઝડપી, એટલો જોખમી’ એક્સિડન્ટ ઝોન બની રહ્યો છે. હાલમાં શહેરના 10 એક્સિડન્ટ ઝોન છે તેમાં પહોળા રસ્તા અને હાઈવે આસપાસના રસ્તાઓનો સમાવેશ થાય છે. ગતિ મર્યાદાનું પાલન ન કરતાં વાહનચાલકો સીસીટીવી હોવા છતાં બેફામ ડ્રાઈવિંગથી જોખમ સર્જે છે. પરિવારની સલામતી માટે સ્વયંશિસ્ત જ અકસ્માતો ઘટાડી શકે છે.
આ પણ વાંચો: આજે રિવરફ્રન્ટ પર શ્રમિક આક્રોશ રેલી, પડતર પ્રશ્નોના ઉકેલની માગ સાથે કામદારોની ભીડ ઉમટશે
ગીચ કોટ વિસ્તાર સલામત, એસ.જી. હાઈવે પર બેફામ ડ્રાઈવિંગ
એસ.જી. હાઈવે વધુ એક વખત જીવલેણ અકસ્માતથી રક્તરંજીત બન્યો. ગાંધીનગર પહોંચવા માટે નિર્વિધ્ને પસાર થઈ શકાય તે માટે વિધ્નમુક્ત અને પહોળો સરખેજ – ગાંધીનગર હાઈવે જાણે રેસિંગ ટ્રેક હોય તેમ દરરોજ અડધો ડઝનથી વધુ નાના – મોટા અકસ્માત સર્જાય છે. અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે આ માટે એસજી-1 અને એસજી-2 એમ બે અલાયદા ટ્રાફિક પોલીસ સ્ટેશન બનાવવા પડયાં છે. એસજી હાઈવેની માફક જ અમદાવાદ રીંગ રોડ નજીકના રામોલ, ઓઢવ, ખોખરા, નિકોલ, નારોલ, સરખેજ, વાસણા વિસ્તારમાં પણ અકસ્માતો અને જીવલેણ અકસ્માતોનું પ્રમાણ વધુ રહે છે.
વર્ષ 2025 અકસ્માતોના આંકડા
ટ્રાફિક આઈ ડિવિઝન (અમરાઈવાડી, ખોખરા, નિકોલ, ઓઢવ, રામોલ): 67 લોકોએ જીવ ગુમાવ્યાં, 97ને ગંભીર ઈજા.
કે ડિવિઝન (દાણીલીમડા, કાગડાપીઠ, નારોલ): 39 મોત, 50ને ઈજા.
એમ ડિવિઝન (વાસણા, સરખેજ, વેજલપુર, એલીસબ્રિજ): 30 મોત, 55ને ગંભીર ઈજા.
એલ ડિવિઝન (સાબરમતી, રાણીપ, માધવપુરા, રિવરફ્રન્ટ): 30 મોત, 60ને ગંભીર ઈજા.
સતત વિસ્તરતા જતાં અમદાવાદ શહેરના છેવાડાના અને હાઈ-વે ટચ વિસ્તારો એક્સિડન્ટ ઝોન બની રહ્યાં છે. આ વિસ્તારોમાં ઓવરસ્પીડથી સર્જાતા અકસ્માતોના કારણે દરરોજ 20થી વધુ લોકો સારવાર માટે હોસ્પિટલ પહોંચે છે. એક અભ્યાસ અનુસાર વિતેલા વર્ષોની સરખામણીએ અકસ્માતોના પ્રમાણમાં આઠથી દસ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે પણ જીવલેણ અકસ્માતનું પ્રમાણ પાંચથી છ ટકા જેટલું વઘ્યું છે તે ચિંતાજનક બાબત છે.
કોટ વિસ્તારમાં સૌથી ઓછા અકસ્માત
પશ્ચિમ અમદાવાદના અન્ય ટ્રાફિક પોલીસ સ્ટેશન વિસ્તારોમાં પ્રતિવર્ષ માર્ગ અકસ્માતનું પ્રમાણ છેલ્લા પાંચેક વર્ષથી એકધારૂં જળવાયેલું રહ્યું છે તો અમુક નિશ્ચિત વિસ્તારોમાં એક્સિડન્ટ હોટ સ્પોટ તરીકે કુખ્યાત બની ચૂક્યાં છે. એક ચોંકાવનારું તારણ એવું છે કે, મેગા સિટીમાં રસ્તા ખુલ્લા હોય અને હાઈ-વેની આસપાસના રસ્તા હોય ત્યાં અકસ્માતનું પ્રમાણ વધુ રહેવા પામે છે. અમદાવાદના કોટ વિસ્તાર અને બજારો છે તેવા કારંજ, શાહપુર, કાલુપુર, શહેરકોટડાના ગીચ વિસ્તારોમાં અકસ્માતોનું પ્રમાણ નહીવત રહે છે. અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસના ડેટા અને સર્વેક્ષણમાં શહેરનો કોટ વિસ્તારો માર્ગ સલામત હોય તેવું સ્પષ્ટ જણાઈ આવે છે.
એસજી હાઇવેમાં આ વર્ષે અકસ્માતથી 33નાં મોત
ટ્રાફિક પોલીસ, નેશનલ હાઈવે ઓથોરિટી તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંયુક્ત આયોજનોના કારણે ત્રણ વર્ષમાં અકસ્માતો ઘટ્યા છે તેમ છતાં એસ.જી. હાઈવે જીવલેણ અકસ્માતમાં ટોચ ઉપર છે. વર્ષ 2025ના ઓક્ટોબર મહિના સુધીમાં જ એસ.જી. હાઈવે ઉપર અકસ્માતોમાં કુલ 33 લોકોએ જીંદગી ગુમાવી છે તો 41 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે.
પોલીસ તંત્રનો પ્રયાસ અને અપીલ
અમદાવાદ ટ્રાફિક પોલીસના સંયુક્ત પોલીસ કમિશનર એન. એન. ચૌધરીનું કહેવું છે કે, શહેરમાં અકસ્માતોનું પ્રમાણ ઘટે તે માટે રોડ એન્જિનિયરિંગના સુધારા, ટ્રાફિક સિગ્નલ્સ વધારવા, પીક-અવર્સમાં ટ્રાફિક પોલીસની તહેનાતી વધારવા ઉપરાંત ટ્રાફિક અવેરનેસ વધારવાની દિશામાં સતત સામુહિક કામગીરી કરવામાં આવે છે. ખાસ કરીને પીક અવર્સમાં તેમજ મોડી રાત્રીના ગતિમર્યાદા ઓળંગીને વાહન ચલાવવાની કૂટેવ ખૂદ વાહનચાલક કે બીજા શહેરીજનો માટે જીવલેણ કે જોખમરૂપ બની રહે છે. જાગૃત શહેરીજન તરીકે એટલું સમજવું જરૂરી છે કે, વાહન ચલાવવામાં સામાન્ય ઉતાવળ કોઈની પણ જીંદગીમાં અંધકાર સર્જી શકે છે.
શહેરના મુખ્ય એક્સિડન્ટ હોટસ્પોટ
સોલા ઓવરબ્રિજ ઉપર હાઈકોર્ટ ગેટ-4ની સામે.
પકવાન બ્રીજના દક્ષિણ છેડેથી ગુરૂદ્વારા અંડરબ્રીજ સુધી
સનાથલ કટ
જુના વાડજ સર્કલ
સતાધાર ચાર રસ્તા
અંબર ટાવર 3 રસ્તાથી જુહાપુરા ચાર રસ્તા
સારંગપુર સર્કલથી ન્યુ ક્લોથ માર્કેટ
ગામડી ચાર રસ્તા
નરોડા પાટિયા
મેમ્કો રોડ, નરોડા ફ્રૂટ માર્કેટ










