image : Social media
Jamnagar : જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોરબંદર સાથે કનેક્ટેડ નેશનલ હાઇવેનો પ્રોજેક્ટ રૂપીયા 1271.02 કરોડના ખર્ચે બનશે, જે અંગે કેન્દ્ર સરકારના માર્ગ પરીવહન મંત્રી નિતિન ગડકરીએ ટ્વીટરના માધ્યમથી વિગતો આપી હતી, જેમાં તેઓએ જામનગરના સંસદસભ્ય પૂનમબેન માડમને ટેગ કર્યા હતા.
કેન્દ્રીય માર્ગ પરીવહન મંત્રી નિતિન ગડકરીએ ટ્વીટરમાં આપેલી વિગતો મુજબ ગુજરાતના પોરબંદર, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નેશનલ હાઈવે-151 કે ના સમગ્ર 119.50 કિમી પોરબંદર-ભાણવડ-જામજોધપુર-કાલાવડ સેક્શનને રૂ.1271.02 કરોડના ખર્ચે પેવ્ડ શોલ્ડર સાથે 2-લેનમાં અપગ્રેડ કરવાની મંજૂરી આપવામાં આવી છે.
આ રોડનો પ્રોજેક્ટ પોરબંદર નજીક નેશનલ હાઈવે-51 સાથે તેના જંકશનથી શરૂ થાય છે અને ભાણવડ, જામજોધપુરને જોડે છે અને કાલાવડ નજીક નેશનલ હાઈવે-927 ડી સાથે તેના જંકશન પર સમાપ્ત થાય છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ-151 કે ત્રણ મહત્વના ધોરીમાર્ગો એટલે કે પોરબંદર-ખંભાળિયા (એન.એચ-927 કે ), જૂનાગઢ-જામનગર (એન.એચ 927-ડી) અને રાજકોટ-પોરબંદર (એન.એચ-27) વચ્ચે કનેક્ટર તરીકે કામ કરે છે. આ નેશનલ હાઇવેમાં ગ્રેડ-સેપરેટેડ સ્ટ્રક્ચર્સ, 8 મોટા પુલ અને 10 બાયપાસ સાથેનું અપગ્રેડેશન ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારને વધુ સારી કનેક્ટિવિટી પ્રદાન કરશે તેમ પણ ગડકરીએ ઉમેર્યું હતુ.
જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાઓને આ રીતે કેન્દ્ર સરકારની રાષ્ટ્રીય ધોરીમાર્ગ યોજના અંતર્ગત નેશનલ હાઇવે મળનારા હોઇ, 12-જામનગર લોકસભાના સંસદસભ્ય પૂનમબેન માડમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય માર્ગ પરીવહન મંત્રી નિતિન ગડકરીનો આભાર વ્યક્ત કર્યો છે.
હાલાર-પોરબંદર-રાજકોટ- જુનાગઢને જોડતા નેશનલ હાઇવેથી યાતાયાતને ઘણો ફાયદો થશે અને જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના લગત જિલ્લાને જોડતા પરીવહન વધુ સુગમ બનશે એમ પણ સંસદસભ્ય પૂનમબેન માડમએ ઉમેર્યું છે.