BJP Fund: રાજકીયપક્ષોને 2023-24માં અપાયેલા દાનની જાહેર થયેલી વિગતોમાં ભાજપને દેશમાં 2243.95 કરોડનું દાન મળ્યું છે. માત્ર ગુજરાતમાંથી જ 1373 કોર્પોરેટ-વ્યાપારી સંસ્થાઓ અને 736 વ્યક્તિ દ્વારા 401.98 કરોડનું દાન મળ્યું છે. આ દાતાઓની વિગતો ચકાસતા એવી ચોંકાવનારી માહિતી મળી છે કે મોટાભાગનું દાન આપનારા રાજકોટમાં મનપા પાસેથી કરોડો રૂપિયાનો ઊંચા ભાવના કોન્ટ્રાક્ટ મેળવનારા છે. આ કોન્ટ્રાક્ટ આપવા મનપાના શાસકોએ કેટલાક કેસમાં વહીવટ થયાની શંકા જન્મે તેવા નિર્ણયો પણ લીધા છે.
આ પણ વાંચોઃ વડોદરામાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના: ટેમ્પોની અડફેટે વિદ્યાર્થિનીનું ઘટનાસ્થળે મોત
65 લાખના દાન સામે મળ્યો કરોડોનો કોન્ટ્રાક્ટ
- માહિતીનું વિશ્લેષણ કરતા સૌથી વઘુ રકમનું દાન પવન કન્સ્ટ્રક્શન કંપની દ્વારા 8 વખતમાં કૂલ 65 લાખ રૂપિયાનું ડોનેશન ભાજપને આ એક જ વર્ષમાં આપ્યું છે. રાજકોટમાં અગાઉ અનેક કામો ઉપરાંત ગત બે માસમાં જ પવન કન્સ્ટ્રક્શનનું 74.40. કરોડ રૂપિયાનું 6.30 ટકા ઊંચા ભાવ (આશરે 2 કરોડ રૂપિયા ઓન) વેસ્ટ ઝોનમાં રસ્તાના કામનું ટેન્ડર મંજૂર કરાયું છે. 9 માસ પછી મનપાની ચૂંટાયેલી પાંખની મુદત પૂરી થતી હોવા છતાં આ વર્ષ પૂરતું કામ આપવાને બદલે આગામી વર્ષનું કામ એક સાથે આપી દેવાયું છે.
- આ જ રીતે ક્લાસિક નેટવર્ક પ્રા.લિ.ને વાટાઘાટોના નામ પર બોલાવીને 12 ટકા ઊંચા ભાવથી 104.33 કરોડ રૂપિયાના રસ્તા કામનું ટેન્ડક બે વર્ષ સુધીનું આપી દેવાયું છે. ક્લાસિક દ્વારા આ વર્ષમાં 5.11 લાખનું દાન અપાયું છે.
- આ બે માસમાં કાલાવડ રોડ પર આઈકોનિક બ્રિજનું 167 કરોડ રૂપિયાનું કામ બેકબોન કન્સ્ટ્રક્શન પ્રા.લિ. અને ગાવર કન્સ્ટ્રક્શન લિ.ને જોઇન્ટમાં આપ્યું છે. અહીં ભ્રષ્ટાચારની શંકા એટલે જન્મી કે અગાઉ ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનો 1100 કરોડનો વર્તમાન ખર્ચ થાય છે તેથી 4 ગણા ઊંચા ભાવે કોન્ટ્રાક્ટ અપાયો ત્યારે એક જ પેઢીને કામ આપવા સીંગલ એજન્સીની શરત રાખી કોન્ટ્રાક્ટની લ્હાણી થઈ હતી, ત્યારે અહીં આ શરત પડતી મૂકીને જોઈન્ટમાં કામ આપ્યું. બેકબોને આ એક વર્ષમાં ભાજપને 14,26,652 રૂપિયાનું ડોનેશન આપ્યું છે.
- આ ઉપરાંત હાઈબોન્ડ ઈન્ફ્રા પ્રા.લિ. નામથી ભાજપને લાખોનું દાન થયું છે. મનપાની સ્થાયી સમિતિએ સપ્ટેમ્બર-2024માં ટેન્ડરમાં દેખીતી શંકાસ્પદ વહીવટ કરીને હાઈબોન્ડ ઈન્ફ્રા પ્રા.લિ.ને 51.81 ટકાના ઊંચા ભાવે 10.82 કરોડ રૂપિયાનું પાઈપલાઈનનું કામ મંજૂર કરાયું હતું. આ માટે વારંવાર ટેન્ડરો બહાર પડ્યા અને અગાઉ 40 ટકા, 46 ટકા ઊંચા ભાવે કામ નહીં આપીને વધુ ઓનથી કામ આપ્યું.
- રાજકોટની કેએસડી કન્સ્ટ્રક્શને ભાજપને આ વર્ષમાં 18.94 લાખનું ડોનેશન આપ્યું છે. મનપામાં તપાસ કરતાં કે.એસ.ડી. કન્સ્ટ્રક્શનને ગત બે માસમાં 8.85 કરોડ રૂપિયાનું કામ આપ્યું છે.
- અરમાન ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પણ 55 ટકા ઊંચા ભાવથી 3.56 કરોડનું કામ અપાયું હતું. આ નામથી ભાજપને 1.27 લાખનું દાન મળ્યું છે.
- મહાનગર પાલિકામાં આઉટ સોર્સિંગથી કર્મચારીઓ પૂરા પાડવાનું કામ મેળવનારા એમ. જે. સોલંકી તેમજ ડી. જે. નાકરાણીએ એક લાખ રૂપિયાનું દાન ભાજપને આપ્યું છે.