Delhi EV Policy Draft: દિલ્હીમાં ટૂંકસમયમાં સીએનજી રિક્ષાઓ બંધ થઈ જઈ શકે. રાજ્ય સરકારની આગામી ઈલેક્ટ્રિક વ્હિકલ (ઈવી) પોલિસી 2.0એ ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપતાં 15 ઓગસ્ટ, 2025થી સીએનજી સંચાલિત રિક્ષાઓના રજિસ્ટ્રેશન ન કરવા આદેશ આપ્યો છે. આ મામલે ટૂંકસમયમાં નોટિફિકેશન જારી કરવામાં આવશે. તેમજ સીએનજી ઓટો રિક્ષાની પરમિટને રિન્યુ પણ કરવામાં આવશે નહીં. આ સાથે પેટ્રોલ-ડિઝલ, સીએનજી ટુ વ્હિલર્સના રજિસ્ટ્રેશન પણ 15 ઓગસ્ટ, 2026થી બંધ કરવામાં આવશે. દિલ્હીમાં પેટ્રોલ-ડિઝલના કારણે થતાં પ્રદુષણના કારણે એક લાખ ઓટો રિક્ષા ફરે છે. જે પહેલાં માત્ર 55,000 ઓટો રિક્ષાને મંજૂરી હતી.
10 વર્ષ જૂની સીએનજી રિક્ષા પર ફરમાન
ડ્રાફ્ટ પોલિસીમાં 10 વર્ષ જૂની સીએનજી રિક્ષાને ઈલેક્ટ્રિક પાવરટ્રેન સાથે રિપ્લેસ કરવાનું ફરિજ્યાતપણે ફરમાન આપવામાં આવ્યું છે. આ પગલું શહેરમાં શુદ્ધ મોબિલિટી સોલ્યુશન્સને વેગ આપશે.
સરકારી વાહનોનું પણ ઈલેક્ટ્રિફિકેશન
ઓટોરિક્ષા ઉપરાંત પેટ્રોલ-ડિઝલથી ચાલતાં સરકારી વાહનોનું પણ ઈલેક્ટ્રિફિકેશન કરવાની કવાયત હાથ ધરાઈ છે. જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વપરાતા તમામ પેટ્રોલ-ડિઝલ અને સીએનજી સંચાલિત ગાર્બેજ કલેક્શન વાહનો સહિત તમામ વાહનોને 31 ડિસેમ્બર, 2027 સુધી ઈલેક્ટ્રિકમાં તબદીલ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ સિંગાપોરની શાળામાં આગ લાગતાં પવન કલ્યાણનો પુત્ર ઈજાગ્રસ્ત, હોસ્પિટલમાં દાખલ
ડ્રાફ્ટ ઈવી પોલિસીમાં કરાયેલી મહત્ત્વની ભલામણોઃ
- 15 ઓગસ્ટ, 2025 બાદ દિલ્હીમાં નવી સીએનજી ઓટો રિક્ષાનું રજિસ્ટ્રેશન નહીં
- તમામ સીએનજી ઓટો પરમિટ 15 ઓગસ્ટ, 2025 સુધી જ રિન્યુ થશે
- 15 ઓગસ્ટ, 2026થી પેટ્રોલ-ડિઝલ, સીએનજી ટુ વ્હિલર્સનું રજિસ્ટ્રેશન નહીં થાય
- તમામ કચરો એકત્રિત કરતાં વાહનોને તબક્કાવાર ઈલેક્ટ્રિક વાહનોમાં તબદીલ કરાશે
- 31 ડિસેમ્બર, 2027 સુધી 100 ટકા ઈલેક્ટ્રિકનું લક્ષ્ય, ઈલેક્ટ્રિક બસોની ખરીદી થશે
- 2 કારની માલિકી ધરાવતા કારમાલિકો ત્રીજી ઈ-કાર જ ખરીદી શકશે
- માત્ર ઈલેક્ટ્રિક બસોની જ ખરીદી થશે, BS VI બસો માત્ર આંતર-રાજ્ય પરિવહન માટે ઉપયોગમાં લેવાશે
ટૂંકસમયમાં આ ડ્રાફ્ટને મળશે મંજૂરી
આ ડ્રાફ્ટ પોલિસીને ભલામણો માટે તમામ સ્ટેકહોલ્ડર્સ પાસે મોકલવામાં આવશે. ત્યારબાદ ભલામણો પર વિચારણા કર્યા બાદ કેબિનેટ સમક્ષ રજૂ કરવામાં આવશે. દિલ્હી સરકારની કેબિનેટ દ્વારા મંજૂરી મળ્યા બાદ પોલિસી લાગુ કરાશે.