![]()
જ્યુડિ. મેજી. ફર્સ્ટ ક્લાસ કોર્ટનો ચુકાદો
વીજતંત્રના હેલ્પર પર હુમલો કરનાર શખ્સને એક વર્ષની કેદ, અન્ય ચાર મારામારીના કેસમાં સજા સંભળાવાઇ
રાજુલા: જાફરાબાદમાં હુમલા અને મારામારીના પાંચ કેસ આજે ચાલી જતાં જ્યુડિ. મેજી. ફર્સ્ટ ક્લાસ કોર્ટે આઠ આરોપીઓને કસૂરવાર ઠરાવીને એક વર્ષ સુધીની કેદની સજા ફટકારી હતી.
પ્રથમ કેસમાં વાંઢ ગામે વીજ કનેકશન કાપી નાખવાના મનદુઃખમાં વીજ હેલ્પર પર હુમલો કરવા બદલ આરોપી યુવરાજ મનુભાઇ કોટીલાને જજશ્રી પી.એમ. કામદારે સરકારી વકીલ દિવ્યેશ ગાંધીએ રજૂ કરેલી દલીલો અને પુરાવાને ધ્યાને લઇને એક વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. બીજા કેસમાં મોટા માણસા ગામના વિપુલ ભગવાનજી મુલાણીને વાડીએ પાણી બાબતે મારામારી કરવા બદલ ત્રણ મહિનાની સજા કરી હતી. ત્રીજા કેસમાં ચિત્રાસર ગામના મગન ગીગા ચૌહાણને મહિલા પર હુમલો કરવા બદલ એક વર્ષની કેદની સજા સંભળાવી હતી. ચોથા કેસમાં ફરિયાદ પાછી ખેંચવા ધમકાવીને હુમલો કરવા બદલ રમેશ ભુપત વાઘેલા અને ભાઇ મનિષ ભુપત વાઘેલાને ૧-૧ વર્ષની કેદ તેમજ પાંચમા કેસમાં પરિણીતાને મારકૂટ કરવા બદલ સાસુ લક્ષ્મીબેન રામભાઇ બારૈયા, જેઠ બચુભાઇ અને જેઠાણી ભાવનાબેનને ૧-૧ વર્ષની કેદની સજા ફટકારી છે.










