![]() |
IANS
Udaipur Royal Wedding: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના દીકરા ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર હાલ ભારત પ્રવાસે છે. ગુરૂવારે (20 નવેમ્બર) તેમની હાઇ પ્રોફાઇલ યાત્રાની શરૂઆત આગ્રાના તાજમહેલથી શરૂ થઈ હતી. ત્યારબાદ તેમણે ગુજરાતના જામનગર સ્થિત ‘વનતારા’ની પણ મુલાકાત લીધી હતી. દિવસની શરૂઆતમાં, ટ્રમ્પ જુનિયરે આગ્રામાં કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે તાજમહેલની મુલાકાત લીધી હતી અને લગભગ એક કલાક ત્યાં વિતાવ્યા હતા. તેમણે પ્રતિષ્ઠિત ‘ડાયના બેન્ચ’ પર ફોટો સેશન પણ કરાવ્યું. અધિકારીઓએ જણાવ્યું કે, તેમણે તાજમહેલનો ઈતિહાસ અને વાસ્તુકલામાં ઊંડી રૂચિ દર્શાવી હતી.
આ પણ વાંચોઃ બિહારમાં કારમા પરાજય બાદ કોંગ્રેસની મુશ્કેલી વધી, રાજ્યસભામાં પણ નુકસાનની આશંકા
જામનગરમાં અનંત અંબાણીના મહેમાન
તાજમહેલની મુલાકાત બાદ ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર જામનગર પહોંચ્યા હતા જ્યાં તેમણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ડિરેક્ટર અનંત અંબાણીના આમંત્રણ પર તેમના ડ્રીમ પ્રોજેક્ટ ‘વનતારા’ વાઇલ્ડલાઇફ રેસ્ક્યૂ એન્ડ રિહેબિલિટેશન સેન્ટરની મુલાકાત કરી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ટ્રમ્પ જુનિયર અંબાણી પરિવારના નિમંત્રણ પર જામનગર પહોંચ્યા હતા. તેમણે અનંત અંબાણી સાથે વિશાળ વન્યજીવ પરિસરની મુલાકાત લીધી હતી અને આ વિસ્તારના અમુક મંદિરમાં પણ દર્શન માટે પહોંચ્યા હતા. વનતારામાં તેમણે વિવિધ પ્રાણીઓ, પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું હતું. તેમના આગમન પહેલાં જામનગર એરપોર્ટ પર સુરક્ષા તૈનાત કરી દેવાઇ હતી.
ઉદયપુરની રૉયલ વેડિંગમાં આપશે હાજરી
ટ્રમ્પ જુનિયર હવે રાજસ્થાનના ઉદયપુર પહોંચ્યા છે, જ્યાં તેઓ એક હાઇ-પ્રોફાઇલ ડેસ્ટિનેશન વેડિંગમાં સામેલ થશે. આ લગ્ન દક્ષિણ ભારતના બિઝનેસમેન રાજૂ મંટેના દીકરાના છે, જે અમેરિકન અબજોપતિ બિઝનેસમેન પણ છે અને ટ્રમ્પના નજીકના માનવામાં આવે છે. થનારી દુલ્હન પણ અમેરિકન મૂળની એલિઝાબેથ છે.
આ પણ વાંચોઃ માતાએ ચૂંટણી જીતી અને દીકરો નીતિશ સરકારમાં મંત્રી બની ગયો, નારાજ દિગ્ગજ નેતાએ આ રીતે કરી ડીલ!
ગ્રાન્ડ વેડિંગમાં ફિલ્મી સ્ટાર્સથી લઈને ઉદ્યોગપતિઓ થશે સામેલ
21 અને 22 નવેમ્બરે યોજાનારી આ ગ્રાન્ડ વેડિંગ માટે પિચોલા લેકની વચ્ચે બનેલા આલીશાન જગ મંદિર પેલેસ અને સિટી પેલેસને સજાવવામાં આવી રહ્યું છે. ટ્રમ્પ જુનિયર પિચોલા લેક પરના લીલા પેલેસમાં રોકાયા છે. આ શાહી લગ્નમાં ઋતિક રોશન, કૃતિ સેનન અને જેક્લિન ફર્નાંડિસ સહિત અનેક ફિલ્મી અને ઔદ્યોગિક હસ્તીઓ સામેલ થવાની સંભાવના છે.
નોંધનીય છે કે, ભારતમાં ટ્રમ્પ જુનિયરની આ બીજી યાત્રા છે. આ પહેલાં તે ફેબ્રુઆરી 2018માં આવ્યા હતા, ત્યારે તેમની મુલાકાત ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશનના લગ્ઝરી એપાર્ટમેન્ટના પ્રચાર સાથે જોડાયેલી હતી, જે અમેરિકામાં વિવાદનું કારણ બન્યું હતું.











