Vadodara Crime : મિલકતમાંથી બે દખલ કરવાની ધમકી સાથે અવારનવાર તકરાર કરી શારીરિક અને માનસિક ત્રાસ આપનાર સાસુ સસરા, દીકરા તથા તેની વહુ કારણે પતિએ આપઘાત કર્યો હોવાની પત્નીની ફરિયાદના આધારે પોલીસે આરોપીઓ વિરૂદ્ધ દુષ્પપ્રેરણાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શહેરના રાજમહેલ રોડ દયાળ ભવનના ખાચામાં રહેતા મૃતકના પત્નીએ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, માંડવી ખાતે શેરડીના રસની દુકાન ધરવતા તેમના પતિ સાથે સાસુ સસરા અવારનવાર ઝઘડો કરી “અહીંયાથી બીજે રહેવા જતા રહો આ અમારું મકાન છે” તેમ જણાવી પરેશાન કરતા હોય પતિ ડિપ્રેશનમાં રહેતા હતા. મારા દીકરા ચૈતન્યને હેમાક્ષી સાથે પ્રેમ સંબંધ હોય સાસુએ અમારી મરજી વિરુદ્ધ દીકરાના લગ્ન હેમાક્ષી સાથે કરાવ્યા હતા. ત્યારથી દીકરા સાથે પણ તકરાર ચાલતી હતી. 5 એપ્રિલના રોજ હેમાક્ષીએ પોલીસમાં ફીટ કરાવી દેવાની ધમકી આપ્યા બાદ ચૈતન્ય અને હેમાક્ષીએ ઘર પાસે આવી અપશબ્દો બોલતા પતિને લાગી આવતા ઘરમાંથી ચાકુ લાવી પોતાની જાતે પેટમાં મારી આપઘાતનો પ્રયત્ન કર્યો હતો. ત્યારબાદ 6 એપ્રિલ રામ નવમીના દિવસે પિયરમાં નવચંડી હવન હોય હું ત્યાંથી સાંજે પરત ઘરે આવતા દરવાજો અંદરથી બંધ હોય બારી તોડીને જોતા પતિ બહારના રૂમમાં પંખા ઉપર દોરીથી ફાંસો ખાધેલ હાલતમાં હતા. હોસ્પિટલ લઈ જતા તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ઉપરોક્ત ફરિયાદના આધારે પોલીસે કોકીલા ગોપાલભાઈ પટેલ, ગોપાલ જેઠાલાલ પટેલ (બંને રહે- દયાળભવનનો ખાંચો, રાજમહેલ રોડ, નવાપુરા), ચૈતન્ય ઉર્ફે દીપ નીતિનભાઈ પટેલ, હેમાક્ષી ચૈતન્ય પટેલ (બંને રહે-સુશીલા સદન ફ્લેટ, બોરડી ફળિયા, શીયાબાગ) વિરુદ્ધ આપઘાત માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો.
આપઘાત અગાઉ વિડીયો રેકોર્ડ કરી વિદેશમાં રહેતી દીકરીને મોકલ્યો
દીકરી વિદેશથી આવી પહોંચતા તેણે માતાને જણાવ્યું હતું કે, આપઘાત કરતા અગાઉ પિતાએ પોતાનો વિડીયો રેકોર્ડ કરી મોકલ્યો હતો. જેમાં જણાવે છે કે, “હું હવે કંટાળ્યો છું, મારી લાઈફથી, મારા બાપથી, મારી માંથી, મારા છોકરાથી, મારા છોકરાની વહુ થી…. અવારનવાર ઝઘડો કરી મારઝૂડ કરે છે, મને પ્રોપર્ટીમાં હિસ્સો આપેલ નથી, હું સુસાઇડ કરું છું… તેની માટે મારા માતા પિતા દીકરો અને તેની વહુ જવાબદાર રહેશે.