Jamnagar : જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે જોગવડ ગામમાં જોષીપરા વિસ્તારમાં રહેતા એક શખ્સના મકાન પર દરોડો પાડી 62 નંગ બીયરના ટીન કબજે કરી મકાન માલિકની અટકાયત કરી છે. જેની પૂછપરછમાં બિયરનો જથ્થો ધ્રાંગધ્રાથી આયાત થયો હોવાનું કબુલતા ત્યાંના એક શખ્સને સપ્લાયર તરીકે ફરાર જાહેર કરાયો છે.
જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે જોગવડ ગામમાં જોષીપરા વિસ્તારમાં રહેતા અનિલ જેરામભાઈ પંચાસરાના રહેણાક મકાનમાં બિયરનો જથ્થો ઉતારવામાં આવ્યા છે. જે બાતમીના આધારે ગઈકાલે એલસીબીની ટુકડીએ દરોડો પાડ્યો હતો, તે દરોડા દરમિયાન મકાનમાંથી 62 નંગ બિયરના ટીન મળી આવ્યા હતા.
જેથી પોલીસે રૂપિયા 7,750 ની કિંમતના બિયરના ટીન તેમજ મોબાઇલ ફોન સહિત રૂ.12,700 ની માલમતા કબજે કરી લઈ મકાન માલિક અનિલ જેરામભાઈ પંચાસરાની અટકાયત કરી લીધી છે.
જેની પૂછપરછમાં બિયરનો જથ્થો સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના વતની સંજય ખવાસ નામના શખ્સએ સપ્લાય કર્યો હોવાથી તેને ફરાર જાહેર કરી તપાસનો દોર સુરેન્દ્રનગર તરફ લંબાવ્યો છે.