![]()
રાજકોટના ડાલીબાઈ છાત્રાલયની ઘટના
ચોટીલાના તાજપર ગામની છાત્રા ધો.૧૧ સાયન્સમાં અભ્યાસ કરતી હતી, તાવ આવ્યા બાદ નહીં ગમતું હોવાનું રૂમ પાર્ટનર્સને કહેતી હતી
રાજકોટ: મૂળ ચોટીલાના તાજપર ગામની અને હાલ રાજકોટની ડાલીબાઈ કન્યા છાત્રાલયમાં રહી લાલબહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલયમાં ધો.૧૧ સાયન્સમાં અભ્યાસ કરતી રિંકલ મનસુખભાઈ ગાબુ (ઉ.વ.૧૬)એ ગઈકાલે રાત્રે હોસ્ટેલના રૂમમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. જો કે કયા કારણથી આ પગલું ભર્યું તે વિશે પોલીસને કોઈ માહિતી મળી નથી.
ગઈકાલે રાત્રે હોસ્ટેલમાં નવેક રૂમ પાર્ટનર સાથે રિંકલ બેઠી હતી. રાત્રે ૧૦.૩૦ વાગ્યા આસપાસ તે સુવા જતી રહી હતી. મોડી રાત્રે બધી રૂમ પાર્ટનર સુઈ ગયા બાદ તેજ રૂમમાં તેણે બારીના એંગલ સાથે ચુંદડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. થોડી વાર પછી તેના બેડ પર રહેતી રૂમ પાર્ટનર ઉઠી હતી. જેણે તપાસ કરતાં રિંકલ લટકતી જોવા મળી હતી. તત્કાળ આ અંગે ગૃહમાતાને જાણ કરી હતી. ૧૦૮ના તબીબે રિંકલને સ્થળ પર મૃત જાહેર કરી હતી.
માલવીયાનગરના એએસઆઈ એચ.ટી. પરમારે તપાસ કરતાં રિંકલની સ્યૂસાઈડ નોટ મળી આવી હતી. જેમાં તેણે લખ્યું હતું કે મારાથી કોઈને દુઃખ પહોંચ્યું હોય તો મને માફ કરશો, મારા આત્માને શાંતિ મળે. ફૂલ સ્કેપના પાના ઉપર લખાયેલી આ સ્યૂસાઈડ નોટમાં આજની તારીખનો સ્કૂલનો રજા રિપોર્ટ પણ લખેલો હતો. જોકે સ્યૂસાઈડ નોટ પરથી કયા કારણથી આ આત્મઘાતી પગલું ભર્યું તે વિશે પોલીસને કોઈ માહિતી મળી નથી.
ગઈકાલે બપોરે રિંકલે હોસ્ટેલના નંબર પરથી તેના પિતા સાથે વાત કરી ખબર-અંતર પૂછયા હતા. તે વખતે માતા સાથે વાત કરવાની ઈચ્છા દર્શાવી હતી. પરંતુ તેના પિતાએ બહાર હોવાનું કહેતાં થોડીવાર વાત કર્યા બાદ ફોન મૂકી દીધો હતો.
રૂમ પાર્ટનર પાસેથી પોલીસને જાણવા મળ્યું હતું કે અઠવાડીયા પહેલાં રિંકલને તાવ આવતા સિવીલમાં દવા લીધી હતી. ત્યાર પછી અવાર-નવાર તે પોતાને અહીં અને ત્યાં એટલે કે હોસ્ટેલ અને ઘરે નહીં ગમતું હોવાનું કહેતી હતી.










