– કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટીએ મંજૂરી આપી
– ભારત અને ફ્રાન્સની વચ્ચે કરાર પર હસ્તાક્ષરના પાંચ વર્ષ પછી રફાલ જેટ વિમાનોની ડિલિવરી શરૂ થશે
નવી દિલ્હી : ભારત સરકારે બુધવારે ફ્રાન્સ પાસેથી લગભગ ૬૪૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે નેવી માટે ૨૬ રફાલ ફાઇટર જેટની ખરીદીને મંજૂરી આપી છે તેમ સંરક્ષણ સૂત્રોએ એક નિવેદનમાં જણાવ્યું છે. આ વિમાનો વિમાનવાહક જહાજ આઇએનએસ વિક્રાંત પર તૈનાત કરવામાં આવશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે આ ખરીદ યોજનાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી (સીસીએસ)એ મંજૂરી આપી છે.
ભારત અને ફ્રાન્સની વચ્ચે ઇન્ટર ગર્વમેન્ટલ ફ્રેમવર્ક હેઠળ કરાર પર હસ્તાક્ષરના પાંચ વર્ષ પછી જેટ વિમાનોની ડિલિવરી શરૂ થશે.
આ સોદા હેઠળ ભારતીય નેવીના ભારતીય નેવીને રફાલ (મરીન) જેટ વિમાનોના નિર્માતા દસોલ્ટ એવિએશને હથિયાર પ્રણાલીઓ અને સ્પેર પાર્ટ્સ સહિત સંબધિત સહાયક ઉપકરણો પણ મળશે. જુલાઇ, ૨૦૨૩માં ભારત અને ફ્રાંસે જેટ અને હેલિકોપ્ટર એન્જિનના સંયુક્ત વિકાસ સહિત અનેક મહત્ત્વપૂર્ણ સંરક્ષણ સહયોગ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. બંને વ્યૂહાત્મક ભાગીદારોએ અન્ય દેશો માટે એડવાન્સ સંરક્ષણ ટેકનોલોજીના સહ વિકાસ અને સહ ઉત્પાદનમાં સહયોગ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
ઇન્ડિયન એર ફોર્સે ૩૬ રફાલ ફાઇટર એરક્રાફ્ટ ફલાય અવે કન્ડિશનનાં ખરીદ્યા હતાં. આઇએએફ વિચાર કરી રહ્યું છે કે રફાલ જેટના વધુ બે જથ્થા મળવા જોઇએ.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત અને ફ્રાન્સ વચ્ચેના સંરક્ષણ અને વ્યૂહાત્મક સંબધોમાં સુધારો જોવા મળ્યો છે.