– તંત્રની બેદરકારીથી બિનઉપયોગી થાય તેવી સ્થિતિ
– બે-બે ટેન્કર અને ગાડી, જેસીબી, ફાયરના બૂલેટ સહિતના વાહનો ધૂળ ખાતા પડયા રહ્યા
નડિયાદ : ચકલાસી પાલિકામાં નવા વાહનોમાં રિપેરિંગ નહીં કરાવી મૂકી દેવાતા ભંગાર બન્યા છે. સરકારી ખર્ચે લવાયેલા લાખો રૂપિયાના વાહનો તંત્રની બેદરકારીના કારણે બિનઉપયોગી બની જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે વિસ્તારમાં સમસ્યા વખતે જ વાહનો કામમાં ન આવતા લોકોને હાલાકી પડી રહી છે.
નડિયાદ તાલુકાના ચકલાસીમાં નગરપાલિકાએ છેલ્લા કેટલાક વર્ષોમાં ખરીદેલા વાહનો ભંગાર બન્યા છે. બે ટેન્કર, જેસીબી, બે છોટા હાથી, ફાયર સેફ્ટી બુલેટ સહિતના લાખો રૂપિયાના વાહનો ધૂળ ખાતી હાલતમાં પડયા છે. આ તમામ વાહનો સામાન્ય ખામીઓ આવતા તેનું રિપેરિંગ કરવાના બદલે તેને મૂકી જ દેવામાં આવ્યા છે. ત્યારે આ વાહનો બિનઉપયોગી બને તેવી પરીસ્થિતિ આગામી ભવિષ્યમાં સર્જાશે. એકતરફ સરકાર નાણાં ચુકવી શહેરની સુખાકારી માટે વાહનો ખરીદવા પાલિકાને ગ્રાન્ટ ફાળવે છે. ત્યારે તંત્રના ઉદાસીન અને બેદરકાર સરકારી બાબુઓના કારણે આ વાહનો ધૂળ ખાઈ રહ્યા છે. અંતે તો નાગરિકોના ટેક્સના નાણાંનો જ દૂરઉપયોગ થઈ રહ્યો છે.
સામાન્ય ક્ષતિવાળા વાહનોમાં પાણીની એક ટેન્કરમાં વાલમાં થોડુ લીકેજ છે, જ્યારે બીજી ટાંકીમાં ટાયરને પંચર પડયું છે. આ સિવાય ગાડીમાં બેટરીમાં ફોલ્ટ છે. જ્યારે ફાયર સેફ્ટી બુલેટ માત્ર ૨૮૫ કિલોમીટર જ ફર્યું છે.
આ બાબતે ચકલાસી નગરપાલિકાના ચીફ ઓફિસર હિતેશકુમાર પટેલનો સંપર્ક કરતા તેમણે ફોન રિસિવ કરવાનું ટાળ્યું હતું.
પંચર પડેલી ટેન્કરનું ટાયર રિંગ સાથે જ ગાયબ
એક ટેન્કરના એક ટાયરમાં માત્ર પંચર પડયું હતું. આ ટેન્કરનું ટાયર રિંગ સાથે જ ગાયબ થઈ ગયું છે. વાહનો ભંગાર હાલતમાં પડી રહેતા અસામાજિક તત્વોને મોકળું મેદાન મળી ગયું છે. ત્યારે વાહનોના પાર્ટ્સ ચોરી થવાની સંભાવનાઓ પણ છે.