![]()
Parliament news about Tobacco : કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે ગુરુવારે લોકસભામાં સ્પષ્ટ કહ્યું છે કે, ‘પ્રસ્તાવિત સ્વાસ્થ્ય અને રાષ્ટ્રીય સુરક્ષા સેસ વિધેયક- 2025 માત્ર પાન મસાલા જેવા હાનિકારક ઉત્પાદનો પર જ લગાવવામાં આવશે. લોટ કે દાળ જેવી આવશ્યક વસ્તુઓ પર આ ઉપકર લાગુ થશે નહીં. આ ઉપકરથી થનારી આવકનો એક ભાગ સ્વાસ્થ્ય જાગૃતિ અભિયાન અને અન્ય યોજનાઓ દ્વારા રાજ્યો સાથે વહેંચવામાં આવશે.’
સોમવારે રજૂ કરાયા હતા બે નવા બિલ
નાણામંત્રીએ સંસદ સત્રના પ્રથમ દિવસે સોમવારે લોકસભામાં આ બે મહત્ત્વપૂર્ણ બિલ રજૂ કર્યા હતા. આ બંને બિલ હાલમાં તમાકુ અને પાન મસાલા પર લાગુ થતા ‘જીએસટી ક્ષતિપૂર્તિ ઉપકર’નું સ્થાન લેશે, જેની સમયમર્યાદા માર્ચ 2026માં સમાપ્ત થઈ રહી છે. સરકાર મુજબ, આ નવા ઉપકરનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રીય સુરક્ષા અને જાહેર આરોગ્ય સંબંધિત ખર્ચાઓ માટે વધારાના સંસાધનો એકત્ર કરવાનો છે.
શા માટે આ નવા બિલની જરૂર પડી?
આ નવા વિધેયક લાવવા પાછળનું મુખ્ય કારણ GST ક્ષતિપૂર્તિ ઉપકરની સમાપ્તિ છે. જુલાઈ 2017માં જ્યારે GST લાગુ કરવામાં આવ્યો, ત્યારે રાજ્યોને થતા રાજસ્વ નુકસાનની ભરપાઈ કરવા માટે 5 વર્ષ માટે ક્ષતિપૂર્તિ ઉપકરની વ્યવસ્થા કરવામાં આવી હતી. કોરોના મહામારીને કારણે આ ઉપકરની અવધિ 31 માર્ચ, 2026 સુધી લંબાવવામાં આવી હતી. હવે જ્યારે આ ઉપકર સમાપ્ત થવાની નજીક છે, ત્યારે તમાકુ અને પાન મસાલા પરનો ઊંચો ટેક્સ પણ સમાપ્ત થઈ જાત, જેનાથી આ વસ્તુઓ સસ્તી થઈ શકતી હતી. આથી, આ હાનિકારક વસ્તુઓ પર ટેક્સનો દર યથાવત રહે તે સુનિશ્ચિત કરવા માટે સરકાર આ બે નવા વિધેયક લાવી છે.
આ પણ વાંચો : દોસ્તી તોડવાનો ટ્રમ્પનો પ્લાન ફેલ… જુઓ ભારત-રશિયાનું અર્થતંત્ર કેટલું વધ્યું આગળ
વિપક્ષે કર્યો વિરોધ
આ બિલ સોમવારે રજૂ થયા બાદ વિપક્ષે ભારે વિરોધ કર્યો હતો. તૃણમૂલ કોંગ્રેસના નેતા સૌગત રોયે આરોપ લગાવ્યો કે સરકાર માત્ર તમાકુ પર ટેક્સ વસૂલવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે અને તેનાથી થતા સ્વાસ્થ્યના નુકસાનના પાસાઓની અવગણના કરી રહી છે. જ્યારે, ડીએમકેના સાંસદ કથિર આનંદે કહ્યું કે સરકાર જનતા પર કરવેરાનો વધુ બોજ નાખવાનો પ્રયાસ કરી રહી છે.
આ પણ વાંચો : યુદ્ધ સમાપ્ત અંગે પુતિનના નિર્ણયથી ઝેલેન્સ્કી ટેન્શનમાં, જાણો શું કહ્યું










