
– 25 વર્ષ પૂર્વે અટલબિહારી વાજપેયી મોસ્કો ગયા હતા ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી પદે રહેલા નરેન્દ્ર મોદી તેમની સાથે ગયા હતા
Putin India Visit: રશિયાના પ્રમુખ પુતિન આજે (ગુરૂવારે) સાંજે ભારતની યાત્રાએ આવી પહોંચ્યા છે. તે સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ૨૫ વર્ષ પૂર્વે થયેલી મુલાકાતની યાદ તાજી થઈ છે. 2001માં નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી પદે હતા ત્યારે તે સમયે વડાપ્રધાન પદે રહેલા અટલબિહારી વાજપેયી સાથે મોસ્કો ગયા હતા તે સમયે પણ રશિયાના પ્રમુખપદે વ્લાદીમિર પુતિન સાથે તેમની મુલાકાત થઈ હતી અને બંને વચ્ચે વાતચીત પણ થઈ હતી.

વર્તમાન આંતરરાષ્ટ્રીય પરિપ્રેક્ષ્યમાં પુતિનની ભારત યાત્રાનું મહત્ત્વ ઘણું વધી ગયું છે. પ્રાદેશિક અને વૈશ્વિક પ્રશ્નો ગંભીર બની રહ્યા છે તેવે સમયે રશિયા ભારત સાથે ‘વ્યૂહાત્મક અને વિશિષ્ટ તથા સવિશેષ ભાગીદારી’ રચવા આતુર છે.

બીજી બાબત એ છે કે બંને દેશો વચ્ચે વર્ષોથી સારા સંબંધો જ રહ્યા છે તેમાં કોઈ આરોહ- અવરોહ આવ્યા નથી. નરેન્દ્ર મોદી સાથેની મંત્રણા દરમિયાન બંને નેતાઓ પ્રાદેશિક તેમજ વૈશ્વિક પરિસ્થિતની ચર્ચા કરવાના છે.

આ પૂર્વે આ વર્ષના સપ્ટેમ્બરની ૧લી તારીખે ચીનના તીયાન ઝિંગમાં યોજાયેલી શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશનની મીટિંગ સમયે મળ્યા હતા. આ પરિષદ દરમિયાન પુતિને નરેન્દ્ર મોદીને પોતાની કારમાં જ લઈ તેઓના ‘ઉતારા’ સ્થળે પહોંચાડયા હતા. જ્યાં બંને નેતાઓએ આશરે ૧ કલાક સુધી પ્રમુખ પુતિનની લિમોઝીનમાં જ વાતચીત કરી હતી અને તેમાં યુક્રેન યુદ્ધનો મુદ્દો કેન્દ્ર સ્થાને હતો તેમાં પુતિને રશિયાના મુદ્દાઓ મોદીને સમજાવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

પુતિનની ભારત યાત્રા દરમિયાન ૧૫ જેટલા કરારો થવાના છે તેમ કહેતાં રશિયાઈ સમાચાર સંસ્થા ‘તાસ’ જણાવે છે કે બંને દેશો વચ્ચે વિજ્ઞાન, ટેક્નોલોજી, સંરક્ષણ અને વ્યાપાર વિનિમય જેવા મુદ્દાઓ ચર્ચવામાં આવ્યા હતા અને ભારતને ટી-૯૦ ટેન્કો તથા અદ્યતન યુદ્ધ વિમાનો આપવા તથા તેનાં ભારતમાં નિર્માણ કરાવવા માટે કરારો થશે.










