Vadodara Court : પ્રેમિકાના લગ્ન બાદ પ્રેમીએ અંગતપળોના ફોટો વિડીયો વાયરલ કરી યુવતીની બદનામી સાથે સંસાર ભાંગવાનો પ્રયાસ કરનાર આરોપી પ્રેમીને કોર્ટે દોષિત ઠેરવી ત્રણ વર્ષ સખત કેદની સજા સાથે ભોગ બનનારને રૂ.5 લાખ વળતર પેટે ચૂકવવા હુકમ કર્યો છે
વર્ષ 2021માં ભોગ બનનાર યુવતીના લગ્ન સાંકરદા ગામ ખાતે થયા હતા. યુવતીને લગ્ન અગાઉ મુકેશ ઉર્ફે મુન્નો લક્ષ્મણભાઈ પરમાર (રહે-વાંટાવાળુ ફળિયુ, આખડોલ ગામ, તા. નડિયાદ, જી.ખેડા) સાથે પ્રેમ સંબંધ હોય લગ્નના બે માસ અગાઉ મુકેશ યુવતીને નડિયાદના ફતેપુર ગામ પાસેના ખેતરની ઓરડીમાં લઈ જઈ સંમતિથી શારીરિક સંબંધ બાંધ્યા હતા. ત્યારબાદ યુવતીના લગ્ન થઈ ગયા હોવાનું જાણવા છતાં મુકેશ યુવતીને ધમકી આપતો હતો કે, “જો તું સંબંધ નહીં રાખે તો, આપણી અંગતપળોના વિડીયો હુએ છૂપી રીતે રેકોર્ડ કર્યા હોય, તારા પતિને મોકલી દઈશ”. જોકે યુવતી તાબે ન થતા મુકેશે આ બાબતની જાણ યુવતીના પતિને કરી જાનથી મારી નાખવાની ધમકી આપી અંગતપળોનો વિડીયો વાયરલ કરતા યુવતીએ નંદેશરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યુ.મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ થર્ડ કોર્ટ નીરજકુમાર યાદવની કોર્ટમાં આ કેસની સુનાવણી હાથ ધરાતા ફરિયાદ પક્ષ તરફે સરકારી વકીલ એસ.આર.કોષ્ટીની દલીલો હતી કે, હાલનો તહોમતવાળો કેસ આરોપી વિરુદ્ધ શંકાથી પરે પુરવાર થાય છે. રજૂ થયેલ પુરાવાથી આરોપી સામે ફરમાવવામાં આવેલ તહોમત ફરિયાદ પક્ષ દ્વારા કાયદા મુજબ સાબિત કરેલ હોય આરોપીને કાયદા મુજબ સજા થવી જોઈએ.
આરોપીએ યુવતીનો માત્ર વિશ્વાસ નહીં પણ સંસાર ભાંગવાનો પણ પ્રયાસ કર્યો ; કોર્ટ
કોર્ટે નોંધ્યું હતું કે, આરોપીએ યુવતીનો માત્ર વિશ્વાસ નહીં પણ સંસાર ભાંગવાનો પણ પ્રયાસ કર્યો છે, કેસના પુરાવાને ન્યાયના ત્રાજવા પર તોલવામાં આવે ત્યારે આ હકીકતને અવગણી શકાય નહીં, આરોપીએ વિડીયો તૃતીય પક્ષકારને મોકલી વાયરલ કર્યો હોય કૃત્ય સ્પષ્ટ રીતે ફલિત થાય છે, યુવતીનો વિશ્વાસ તોડી અંગતપળોના ફોટો વિડીયો વાયરલ થતા યુવતીની ઈજ્જત આબરૂને ઠેસ પહોંચી છે. આવા કેસોમાં પતિ પોતાની પત્ની ઉપર લગ્ન પહેલાં કોઈ પ્રસંગ વિશે જાણે તો અલગાવની સ્થિતિનું નિર્માણ થઈ જાય, હાલના કેસમાં પતિ પત્નીએ ન્યાય માટે લડાઈ લડી છે, જે હકીકતને નજર અંદાજ કરી શકાય નહીં.