![]()
પાકમાં જરૂરી ખાતર માટે ખેડૂતોને પરેશાની બોરીમાં ત્રણ જાતનું અલગ-અલગ ખાતર હોવાથી ભેળસેળ કરાતી હોવાનો ખેડૂતોનો આક્ષેપ
જૂનાગઢ, : માંગરોળમાં ખાતર માટે ખેડૂતોએ સવારથી સાંજ સુધી કતારમાં ઉભા રહી હેરાન થવું પડી રહ્યું છે. જે બોરી મળે છે તેમાં ત્રણ જાતનું ખાતર હોવાથી ખેડૂતોએ ભેળસેળ હોવાનો આક્ષેપ કરી આ મામલે નિરાકરણ કરવામાં આવે એવી માંગ સાથે તંત્રને રજુઆત કરી છે.
હાલ મોટાભાગના વિસ્તારમાં રવિ પાકનું વાવેતર થયું છે હાલ ખેડૂતોને ખાતરની જરૂરિયાત છે પરંતુ પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ થતું નથી.માંગરોળ ખાતર ડેપો ખાતે ખેડૂતોએ વહેલી સવારના છ વાગ્યાથી સાંજ સુધી કતારમાં ઉભા રહી હેરાન થવું પડે છે. ખાતર ભરેલો ટ્રક આવે ત્યારે ખાતર વિતરણ થાય છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે હાલ પાકને ખાતરની જરૂર છે. દિવસભર કતારમાં ઉભા રહી જે ખાતર મળે છે તે બોરીમાં ખાતરનો મોટા દાણા, મીડીયમ દાણા અને ભુક્કો હોય છે આથી ખેડૂતોએ ખાતરમાં પણ ભેળસેળ થતી હોવાનો આક્ષેપ કર્યો હતો.
અત્યાર સુધી પાક સહાય યોજના માટે ખેડૂતોએ કતારમાં ઉભા રહેવું પડયું હતું. તેમાં સર્વરના ધાંધીયાના કારણે ખેડૂતોને હેરાન થવું પડયું હતું. હવે રવિ પાકનું વાવેતર કર્યું તો ખાતર માટે ખેડૂતોએ કતારમાં ઉભા રહી પરેશાન થવું પડી રહ્યું છે ત્યારે ખેડૂતોએ સવાલ કર્યો હતો કે અમારે કેટલીક કતારોમાં ઉભા રહી હેરાન થવાનું છે. સરકાર પૂરતું ગુણવત્તાયુક્ત ખાતર ઉપલબ્ધ થાય એ માટેની વ્યવસ્થા કરે એવી માંગ ઉઠી છે. મોટી સંખ્યામાં ખેડૂતો ખાતર લેવા ઉમટી પડતા હોવાથી અવ્યવસ્થા સર્જાઈ હતી જેના લીધે હોમગાર્ડ અને પોલીસના જવાનોએ આવી સમજાવટ કરવી પડી હતી.










