Ahmedabad News : અમદાવાદના સોલામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના આર.સી. ટેકનિકલ રોડ પર આવેલા માધવ ગાર્ડન નજીક લાવારિસ હાલતમાં 2 ક્લોરિનની બોટલ મળી આવી છે. ક્લોરિન ગેસની અસરના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. સમગ્ર મામલે જાણ કરતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી પહોંચી હતી.

ફાયર વિભાગના જણાવ્યા મુજબ, સોલા વિસ્તારમાં આર.સી. ટેકનિકલ રોડ પર આવેલા માધવ ગાર્ડન નજીક ક્લોરિનની 2 હોટલ નાખી ગયું હોવા મામલે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જેથી તાત્કાલિક ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જેમાં ગેસના કારણે ફાયર બ્રિગેડના બે જવાનોને ઉલટી થવાની તકલીફ થઈ હતી, જેથી તેમને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: ગેનીબેન ઠાકોરનું દશામાના વ્રતને લઈને ચોંકાવનારું નિવેદન, ઠાકોર સમાજની દીકરીઓને કરી હાંકલ
સમગ્ર ઘટનામાં ક્લોરિનની બોટલ લીકેજ હોવાથી ફાયર બ્રિગેડ દ્વારા બોટલ પર પાણી છાંટવાની કામગીરી હતી. જ્યારે ગાર્ડનની નજીક અત્યંત ગેસની દુર્ગંધ અને આંખમાં બળતરા થતી હોવાનું જણાયું હતું. નજીકના વિસ્તારોમાં ક્લોરિન ગેસની અસર વર્તાઈ રહી હોવાથી નજીકની રેસ્ટોરન્ટ બંધ કરવામાં આવી છે અને લોકોને બહાર નહીં નીકળવા અપીલ કરાઈ છે.

ઘટનાને લઈને ફાયર વિભાગ દ્વારા સ્થિતિ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી છે. બીજી તરફ, આ બોટલ કોણ નાખી ગયું, તે સંદર્ભે તપાસ કરવામાં આવી રહી છે.










