Ahmedabad News : અમદાવાદમાં રોડ-રસ્તા, ગટર સહિતની કામગીરી શરૂ રહેતી હોવાની શહેરીજનોને ઘણી વખત હાલાકી ભોગવવી પડે તેવી સ્થિતિ ઊભી થાય છે, ત્યારે શહેરના નિકોલ વિસ્તારમાં ગટર ઊભરાતા રોડ પર પાણી ફરી વળ્યા હતા. જાણે ચોમાસાનો વરસાદ વરસ્યો હોય, તેમ રસ્તા પર ચારેયકોર ગટરના પાણી ભરાયા હતા. ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
નિકોલમાં ગટરના પાણી રોડ પર ફરી વળ્યાં
અમદાવાદના નિકોલ વિસ્તરમાં વારંવાર ગટરનું પાણી ઊભરાયાની ફરિયાદ ઊઠી રહી છે, ત્યારે આજે ગુરુવારે (10 એપ્રિલ, 2025) નિકોલમાં ગોપાલચોકની પંપીગની લાઈન તૂટી જતા ગટર ઊભરાઈ હતી. જો કે, આ પછી ગટરનું સમારકામ કરાયું હતું. પરંતુ ફરીથી પાઈપ છટકી જતા ગટર ઊભરાઈ હતી અને ગટરના ગંદા પાણી રસ્તા પર ફરી વળ્યા હતા.
વરસાદ જેવા પાણી ભરાતા સ્થાનિકો પરેશાન
સ્થાનિકોનું કહેવું છે કે, ‘ગોપાલચોકમાં છેલ્લા 6 મહિનાથી ગટર ઊભરાવાની સમસ્યા છે. ઘણા સયમથી આ સમસ્યા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પ્રકારે કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી. રસ્તા પર ગટરના પાણી ભરાયેલા રહેતા હોવાથી ગંદકી થાય છે અને પરિવહન કરતાં લોકોને ગટરના ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે.’
આ પણ વાંચો: સુરતમાં સિક્યુરિટી ગાર્ડે માતા-પુત્રીને મારવાના કેસમાં નવો વળાંક, જાણો ઘટના પાછળની સાચી હકીકત
નિકોલ કેનાલ જવાના રોડ પર ગટરના પાણી ભરાવાની સમસ્યાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે, ‘ઘણા મહિનાથી ગટર ઊભરાવાની સમસ્યાને લઈને તંત્રમાં અનેક રજૂઆત કર્યા છતા કોઈ કામગીરી કરવામાં આવતી નથી. નજીકમાં શાળા આવેલી છે તો વિદ્યાર્થીઓને ગટરના ગંદા પાણીમાંથી પસાર થવુ પડે છે. અમારી એટલે માગ છે કે, ગટરની સમસ્યાનો કાયમીધોરણે નીકાલ લાવામાં આવે’