![]()
Ahmedabad Railway News: અમદાવાદ શહેરમાં આમ તો મણિનગર, સાબરમતી, ચાંદલોડિયા, ગાંધીગ્રામ, અસારવા, આંબલી સહિતના વિવિધ વિસ્તારોમાં રેલવે સ્ટેશન આવેલા છે. પરંતુ શહેરનું મુખ્ય રેલવે મથક કાલુપુર ખાતે છે. જેના નવનિર્માણનું કામ ચાલી રહ્યું છે. ત્યારે વટવા વિસ્તારમાં કાલુપુર બાદ અમદાવાદનું સૌથી મોટુ સ્ટેશન બનાવવાની કામગીરી હાલ ચાલી રહી છે. જે પૂર્ણ થયા બાદ વટવા રેલવે સ્ટેશન મેગા કોચિંગ ટર્મિનલ બની જશે, તેવો દાવો રેલવે તંત્રએ કર્યો છે.
9 પ્લેટફોર્મ સાથે વટવા સ્ટેશન પરથી દરરોજ 51 ટ્રેનનું સંચાલન થઈ શકશે
વટવા રેલવે સ્ટેશન પર હાલમાં 3 પ્લેટફોર્મ છે. અહીં વધારાના 6 પ્લેટફોર્મ બનાવવામાં આવી રહ્યા છે. એટલે કે વટવા રેલવે સ્ટેશને કુલ 9 પ્લેટફોર્મ કાર્યરત થશે. જેના કારણે અહીંથી દરરોજની કુલ 51 ટ્રેનનું સંચાલન થઈ શકશે. વટવા મેગા ટર્મિનલની કુલ લંબાઈ ત્રણ કિલોમીટરની રહેશે. 9 પ્લેટફોર્મ ઉપરાંત ટ્રેનની જાળવણી માટે વધારાની 12 પિટ લાઈન લગાવવામાં આવશે.
જ્યારે ખાલી રેક ઉભા રાખી શકાય તે માટે 29 સ્ટેબલિંગ લાઈન એટલે કે પાર્કિંગ લાઈન, રેકની સફાઈ માટે ર વોશિંગ લાઈન તથા ખરાબ કોચના સમારકામ માટે 600 મીટર લંબાઈની બે સિક લાઈન નાંખવામાં આવશે. વટવા રેલવે સ્ટેશનથી નજીકના અંતરે ત્રણ મોટી ઔદ્યોગિક વસાહતો વટવા, નરોડા અને કઠવાડા જીઆઈડીસી ઉપરાંત છુટછવાયા અનેક ઔદ્યોગિક એકમો છે. મુસાફરોને પરિવહનની સુવિધા આપવાની સાથે ઔદ્યોગિક માલ પરિવહનમાં પણ વટવા રેલવે સ્ટેશન આગામી દિવસોમાં મહત્વનું બની રહેશે.
અમદાવાદ, ગાંધીનગર, ઓખાથી ઉપડતી કેટલીક ટ્રેન શોર્ટ ટર્મિનેટ
– 12 ડિસેમ્બરની ગાંધીનગર કેપિટલ-દૌલતપુર એક્સપ્રેસ અજમેરના બદલે દૌરાઈ-મદાર બાયપાસ લાઈન પરથી ચાલશે
– 16 ડિસેમ્બરના રોજ અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ વારાસણી સુધી જ જશે
– 17 ડિસેમ્બરની ગોરખપુર-અમદાવાદ એક્સપ્રેસ વારાસણીથી ઉપડશે, અમદાવાદથી ગોરખપુરની ટ્રેન 4 કલાક મોડી ઉપડશે
– 15 ડિસેમ્બરની દરભંગા-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન વાયા ગાજીપુર-જૌનપુરના રસ્તે ચાલશે, શાહગંજ અને અયોઘ્યા કેન્ટ સ્ટેશન પર જશે નહીં
– 19 ડિસેમ્બરની ઓખા-તૂતિકોરિન વિવેક એક્સપ્રેસ કોવિલપટ્ટી સ્ટેશન સુધી જ જશે
– 21 ડિસેમ્બરે તૂતિકોરિનથી ઉપડતી ઓખાની વિવેક એક્સપ્રેસ કોવિલપટ્ટી સ્ટેશન પરથી ઉપડશે









