![]()
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રો.ભણગે એક તરફ યુનિવર્સિટીમાં સંશોધનની પ્રવૃત્તિને વેગ આપવા પર ભાર મૂકી રહ્યા છે અને બીજી તરફ યુનિવર્સિટીની સાયન્સ એન્ડ ટેકનોલોજી જર્નલ છેલ્લા દોઢ વર્ષથી પ્રકાશિત થઈ નથી.
દરેક જાણીતી યુનિવર્સિટીની પોતાની જર્નલ હોય છે અને એમ.એસ.યુનિવર્સિટી પાસે પણ સાયન્સ એન્ડ ટેકનોલોજી ક્ષેત્રમાં અધ્યાપકો માટે રિસર્ચ પેપર પ્રકાશિત કરવા માટે જર્નલ છે.સૂત્રોનું કહેવું છે કે, લગભગ ૩૫ વર્ષ પહેલા સાયન્સ ફેકલ્ટીના પ્રોફેસર એન એમ વશીએ આ જર્નલની શરુઆત કરી હતી અને આ જર્નલ યુજીસી દ્વારા માન્યતા પ્રાપ્ત પણ છે.શરુઆતમાં આ જર્નલ વર્ષે બે વખત પ્રકાશિત થતી હતી. છેલ્લા કેટલાક વર્ષોથી વર્ષમાં એક વખત તેનો અંક બહાર પડે છે.જોકે છેલ્લે ૨૦૨૪માં આ જર્નલનું પ્રકાશન થયું હતું અને દોઢ વર્ષથી તેનો નવો અંક પ્રકાશિત થયો નથી.આ જર્નલ માટે માત્ર એમ.એસ.યુનિવર્સિટીના જ નહીં પણ ગુજરાતના અધ્યાપકો પણ રિસર્ચ પેપર મોકલતા હોય છે.
એક સપ્તાહમાં નવો અંક પ્રકાશિત થશે, હવે પછી રિસર્ચ પેપર ઓનલાઈન સબમિટ કરી શકાશે
જર્નલના એડિટર અને યુનિવર્સિટીના વરિષ્ઠ પ્રોફેસર પી કે ઝાએ કહ્યું હતું કે, એક સપ્તાહમાં ૨૦૨૫નો અંક પ્રકાશિત થવા જઈ રહ્યો છે. આ દરમિયાન મેટલર્જી વિભાગ માટે એક વિશેષ અંક પણ બહાર પાડવામાં આવ્યો હતો. ૨૦૨૬નો અંક પણ બહુ જલ્દી બહાર પાડવાનું આયોજન છે.તેની સાથે સાથે જર્નલ માટે રિસર્ચ પેપર મોકલવાથી માડીને તેનો રિવ્યૂ કરવા સુધીની તમામ કામગીરી ઓનલાઈન કરવા માટે એક પોર્ટલ બનાવવાનું પણ નક્કી કરાયું છે.આ માટે એક્ઝિક્યુટિવ કાઉન્સિલે મંજૂરી પણ આપી દીધી છે.બહુ જલ્દી તેના પર કામ શરુ થશે.
વીસીએ પણ જર્નલ નિયમિત પ્રકાશિત કરવા ટકોર કરી
અધ્યાપક આલમમાં ચર્ચા છે કે, રિસર્ચને વધારે મહત્વ આપતા વાઈસ ચાન્સેલર પ્રો.ભણગેને જર્નલના પ્રકાશનમાં વિલંબ થતો હોવાની જાણ થઈ તો તેઓ પણ ચોંકી ઉઠયા હતા અને તેમણે પણ ટકોર કરી હતી કે, યુનિવર્સિટીની પોતાની જર્નલ તો નિયમિત રીતે પ્રકાશિત થવી જ જોઈએ.એ પછી ઓનલાઈન પોર્ટલ માટે એક્ઝિક્યુટિવ કમિટિમાં દરખાસ્ત મૂકાઈ હતી.










