થાનમાંથી સટ્ટો રમતા બે પકડાયા : 22 હજારનો મુદ્દામાલ જપ્ત
ધ્રાંગધ્રામાંથી મેચ પર સટ્ટો રમાડતો શખ્સ ઝડપાયો : 58,700નો મુદ્દામાલ કબજે કરાયો
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લામાં એલસીબી પોલીસે થાન અને ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાંથી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા અને રમાડતા ત્રણ શખ્સોને રોકડ સહિત ૮૧,૬૫૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા જ્યારે અન્ય શખ્સોની પણ સંડોવણી બહાર આવતા હાજર મળી ન આવેલા કુલ ચાર શખ્સો સામે પણ જેતે પોલીસ મથકમાં ફરિયાદ નોંધી કાર્યવાહી હાથધરી છે.
થાન શહેરના જાહેર રોડ પર ક્રિકેટ મેચ પર સટ્ટો રમાતો હોવાની બાતમીના આધારે એલીસીબી ટીમે રેઈડ કરી હતી. જેમાં ક્રિકેટ મેચમાં અલગ-અલગ બે મોબાઈલ નંબરો ધરાવતા વ્યક્તિઓ સાથે મેચનો સટ્ટો રમતા રોકડ રૂા.૧૨,૯૫૦ તેમજ મોબાઈલ ફોન નંગ-૨ કિંમત રૂા.૧૦,૦૦૦ સહિત કુલ રૂા.૨૨,૯૫૦ના મુદ્દામાલ સાથે અલ્પેશભાઈ ગુણવંતરાય તૈરયા અને ઘર્મવિરસિંહ પ્રદયમુનસિંહ ગોહિલ (બંને રહે.થાન)ને ઝડપી લીધા હતા અને કુલ ૪ શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે બીજા બનાવમાં એલસીબી ટીમે ધ્રાંગધ્રાના પરશુરામ પોટરીના પાછળના ભાગેથી જયદેવ ઉર્ફે પ્રફુલ્લ લાલજીભાઈ પરમાર (રહે.ધ્રાંગધ્રા)ને રોકડ રૂા.૧૩,૨૦૦, ૪ મોબાઈલ (કિં.રૂ. ૧૫,૫૦૦), ૧ બાઈક (કિં. રૂા.૩૦,૦૦૦) સહિત કુલ રૂા.૫૮,૭૦૦ના મુદ્દામાલ સાથે મેચ પર સટ્ટો રમાડતા ઝડપી લીધો હતો. પુછપરછ અને તપાસ કરતા મળી આવેલી નોટબુકમાંથી અલગ-અલગ કોડવર્ડમાં નામો લખેલા જણાઈ આવ્યા હતા. આથી વધુ તપાસ કરતાઆ બંને કોડવર્ડ મુકેશભાઈ છગનભાઈ અને રજનીભાઈ વસંતભાઈ (બંને રહે.ધ્રાંગધ્રા)ના નામના હોવાનું બહાર આવ્યું હતું. આ બંને શખ્સોએ ક્રિકેટના સટ્ટામાં સોદાઓ લખાવ્યા હોવાની ઝડપાયેલ શખ્સે કબુલાત કરી હતી. આથી એલસીબી પોલીસે ઝડપાયેલા શખ્સ સહિત ત્રણ વ્યક્તિ સામે ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે