![]()
Vadodara : વડોદરા શહેરના વાઘોડિયા રોડ ખાતેના ઉકાજીના વાડીયામાં આવેલ શૈલેષ નગર ખાતે કેરમ રમવા બાબતે થયેલી મારામારીના બનાવમાં કપુરાઇ પોલીસે સામ સામી ફરિયાદના આધારે પાંચ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
કુરિયર બોયનું કામ કરતા કરણ કહારે ફરિયાદમાં જણાવ્યા મુજબ, ઉકાજીના વાડીયામાં કેટલાક લોકો રસ્તામાં કેરમ રમતા હોય કરણે કેરમ રમવાની ઈચ્છા દર્શાવતા તે લોકોએ કરણને કેરમ રમવા માટે ઇન્કાર કર્યો હતો. આ દરમિયાન ગુરુપ્રસાદ કરણને ગાળો આપી રહ્યો હોય કરણે તેને ગાળો નહીં બોલવાનું જણાવતા ગુરુપ્રસાદના ભાઈઓ સંતોષ તથા હરીશ અને પૂજા કરણ ઉપર તૂટી પડ્યા હતા. અને કરણને પથ્થર મારી, ગડદાપાટુનો માર મારી ધમકી આપી હતી. કરણને મોઢાના ભાગે ઈજા પહોંચતા સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડાયો હતો.
જ્યારે ગેરેજ કામ કરતા હરીશ કહારે ફરિયાદમાં જણાવ્યા મુજબ, હરીશ ઘર નજીક મંદિરના બાંકડે બેઠો હતો તે વખતે ત્યાં રહેતો કરણ તેનું મોપેડ લઈ ધસી આવ્યો હતો. કરણ ચાકુ વડે મહોલ્લાના લોકોને ધમકાવી રહ્યો હતો. જેથી હરીશે તું ધમકાવે છે કોને ? તું અત્યારે ઘેર જતો રહે તેવું કહેતા કરણ ઉશ્કેરાઈ ગયો હતો. અને કરણે ગાળો બોલી હરીશના ખભા પાસે ચાકુનો ઘા માર્યો હતો. લોકો હરીશની મદદે દોડી આવતા કરણ મોપેડ લઈ નાસી છૂટ્યો હતો. અને હરીશને સારવાર અર્થે જમનાબાઈ હોસ્પિટલ ખસેડાયો હતો.
પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે કરણ કનૈયાલાલ કહાર (રહે-ઉકાજીનું વાડિયું, વાઘોડિયા રોડ), સંતોષ કહાર, ગુરુપ્રસાદ કહાર, હરીશ કહાર અને પૂજાબેન ગુરુપ્રસાદ કહાર તમામ (રહે શૈલેષ નગર, ઉકાજીનું વાડિયા પાસે, વાઘોડિયા રોડ) વિરુદ્ધ મારામારી, ધાક ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.










