મહારાષ્ટ્ર-ગુજરાતની અસંખ્ય ચેકપોસ્ટમાંથી પસાર થઈ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચને સફળતાઃ દારૂ મોકલનાર ચાલાકીપૂર્વક વોટ્સએપ કોલથી ટ્રક ક્યા લઈ જવાનો તેની સૂચના આપતો
રાજકોટ, : રાજકોટથી આશરે 1300 કિલોમીટર દૂર કર્ણાટકના હુબલીથી રાજકોટ,મોરબી પંથકમાં ઘુસાડાતો આખો ટ્રક ભરેલાો રૂ।. 59 લાખનો ભારતીય બનાવટનો પરપ્રાંતીય અંગ્રેજી દારૂ રાજકોટ-અમદાવાદ હાઈવે પર બામણબોર પાસેથી રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ પૂર્વ બાતમીના આધારે રોડ પર પેટ્રોલીંગ દરમિયાન પોલીસે ઝડપી પાડયો હતા. આરોપી પુરખસિંહ સુજાનસિંહ રાજપુરોહિત (ઉ.રડવા તા.જિ.બાડમેર રાજસ્થાન)ને ઝડપીને મુખ્ય આરોપી,બૂટલેગરને શોધવા તપાસ હાથ ધરાઈ છે.
પોલીસસૂત્રો અનુસાર બામણબોરથી રાજકોટ તરફ આવતા ટ્રક નં. GJ6AX 6350 માં દારૂ હોવાની પોલીસમેનો દિલિપ બોરીચા, દિપક ચૌહાણ અને વિશાલ દવેને મળેલી બાતમીના આધારે અટકાવતા તેમાંથી સિલ્વર સ્ટ્રીમ એપલ અને ઓરેન્જ વોડકા, એવરગ્રીન રિઝર્વ વ્હીસ્કી, આઈસ મેજીક વગેરે બ્રાન્ડનો સીલપેક દારૂની રૂ।. 59 લાખની કિંમતની 16728 બોટલો મળી આવી હતી. ડી.સી.પી.પાર્થરાજસિંહ ગોહિલની સૂચના અન્વયે ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. એમ.આર.ગોંડલીયા સહિતના પોલીસ સ્ટાફે દારૂ તેમજ 10 લાખની કિંમતનો ટ્રક, દારૂ ઢાંકેલો હતો તે કાળા રંગની તાલપત્રી, મોબાઈલ ફોન સહિત કૂલ રૂ।. 69.37 લાખની મત્તા જપ્ત કરી છે.
ટ્રકમાં મોટી રકમનો માલ લઈને આવતા ડ્રાઈવરને આ માલ કોણે મોકલ્યો તે અંગે પુછપરછ કરાતા તે કર્ણાટકના હુબલીથી ભરીને અપાયો હતો અને મોકલનાર બૂટલેગર તેને મળ્યો નથી પરંતુ, મોબાઈલ ઉપરથી તે વોટ્સએપ કોલ કરીને રાજકોટ લઈ આવે તેવી સૂચના અપાતી હતી. પોલીસ મોબાઈલ નંબર પરથી આટલી મોટી રકમનો દારૂ મોકલનાર કોણ અને રાજકોટ કે મોરબી પંથકમાં તે મંગાવનાર કોણ તેની તપાસ હાથ ધરી છે. આશ્ચર્યની વાત એ છે કે હુબલીથી દારૂ ભરેલો ટ્રક પૂના,મહારાષ્ટ્ર, ગુજરાત બોર્ડર વલસાડ, સુરત થઈને ગુજરાતમાં પસાર થઈને રાજકોટ પહોંચી ગયો ત્યાં સુધી તેની વચ્ચે હાઈવે પર આવતી પોલીસને ગંધ આવી નથી.