– ઊંદરોને ફિલ્મો, ગેમ્સ દેખાડીને તૈયાર કરાયો
– નિષ્ણાંતોના મતે આ સંશોધન ભવિષ્યમાં ન્યુરોલોજિકલ વિકૃતિઓ સમજવમાં સહાયરૂપ થશે
– વિજ્ઞાનીઓએ એઆઈ ના ઉપયોગથી ઊંદરના મગજનો અત્યાર સુધીનો સૌથી વિગતવાર નકશો તૈયાર કર્યો
નવી દિલ્હી : વૈજ્ઞાનિકોએ ઊંદરના મગજના આશરે ખસખસના બીજના કદના નાનકડા વિભાગના આધારે મગજનો અત્યાર સુધીનો સૌથી વિગતવાર કાર્યાત્મક નકશો સફળતાપૂર્વક બનાવ્યો છે. આ ક્રાંતિકારી રિસર્ચમાં ૮૪ હજાર ન્યુરોન વચ્ચે સંપર્કનું મેપિંગ સામેલ હતું અને લગભગ પચાસ કરોડ સિનેપ્ટિક જોડાણો જાહેર થયા હતા જે વિશાળ કોસ્મિક નેટવર્ક જેવું દેખાતા આકાશગંગાની તસવીરો સાથે તેની સરખામણી કરવામાં આવી હતી. નિષ્ણાંતોએ આ સંશોધનને બ્રેકથુ્ર ગણાવીને ન્યુરોલોજીકલ સમસ્યામાં તેના ઉપયોગ વિશે આશાવાદ વ્યક્ત કર્યો હતો.
સીએટલમાં એલન ઈન્સ્ટિટયુટ ફોર બ્રેન સાયન્સની આગેવાની હેઠળ તેમજ બેલર કોલેજ ઓફ મેડિસિન એન્ડ પ્રિન્સટન યુનિવર્સિટીના ૧૫૦થી વધુ સંશોધકો દ્વારા સમર્થિત આ પ્રોજેક્ટમાં જેનેટીક સુધારા સાથેના ઊંદરોનો ઉપયોગ થયો હતો જેમના ન્યુરોન સક્રિય હોય ત્યારે ફ્લોરોસન્ટ થઈ જતા હોય છે. ટીમે ઊંદરોને ધી મેટ્રિક્સ, રમતગમતો, એનિમેશન અને કુદરતની ક્લિપ્સના દ્રશ્યો સહિત વિવિધ વીડિયો કન્ટેન્ટ દેખાડયા હતા. ઊંદરો જ્યારે આ વીડિયો જોઈ રહ્યા હતા ત્યારે એક લેસર સંચાલિત માઈક્રોસ્કોપ દ્વારા વિઝ્યુઅલ કોરટેક્સમાં ન્યુરોન ગતિવિધિ રેકોર્ડ કરવામાં આવી અને વ્યક્તિગત મગજના કોષો કેવી રીતે પ્રતિસાદ આપે છે તેનું ટ્રેકિંગ કરાયું.
વૈજ્ઞાનિકોએ ચીવટપૂર્વક વિશ્લેષણ કરીને ઊંદરના મગજના ટિશ્યુના નાનકડા વિભાગની ૩ડી તસવીર બનાવી. એઆઈના ઉપયોગથી તેમણે વ્યક્તિગત ન્યુરોન વાયરોને વિવિધ રંગો આપ્યા જેનાથી મગજના જટિલ નેટવર્કની વિઝિબિલિટી અને સમજમાં વધારો થયો.
તેના પરિણામે નેચરમાં પ્રકાશિત તૈયાર થયેલો ડાટાસેટ હવે તમામ માટે ખુલ્લો મુકાયો છે જેનાથી વૈશ્વિક સંશોધકો તેનું અન્વેષણ કરી શકે આ ક્રાંતિકારી કાર્ય પર આગળ વધી શકે. ન્યુરોવૈજ્ઞાનિક ક્લે રીડના મતે મગજના વાયરિંગની સમજણ તેના કાર્ય વિશેની પૂર્વધારણાઓ કરવા મહત્વની છે. પ્રિન્સેટનના સેબેસ્ટિયન સીન્ગએ જણાવ્યું કે પ્રોજેક્ટની ક્ષમતા વિકૃતિ સંબંધિત ન્યુરલ પેટર્ન ઓળખવામાં રહેલી છે.
સોશિયલ મીડિયા પરની પ્રતિક્રિયાઓ વિસ્મયથી લઈને રહસ્ય સુધીની હતી જેમાં ઘણાએ તેને અભૂતપૂર્વ અને અતુલ્ય ગણાવી હતી. સ્વતંત્ર નિષ્ણાંતોએ રિસર્ચની પ્રશંસા કરીને તેને મહાન પ્રગતિ તેમજ ન્યુરોવૈજ્ઞાનિક બ્રેકથુ્ર માટે મહત્વના સાધન તરીકે ગણાવી હતી.